ચોરી:સુખસરમાં 3 દુકાન-મકાનમાંથી 4.50 લાખના મુદ્દામાલની ચોરી

સુખસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતરામપુર રોડ ઉપર આવેલ સાંઈનગરની ઘટના

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ 24 કલાક વાહનોથી ધમધમતા હાઇવેની બાજુમાં એક કરિયાણાની દુકાન તથા બે રહેણાંક બંધ મકાનોમાંથી 4.50 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. તસ્કરો જાણભેદુ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુખસરના સંતરામપુર હાઇવે ઉપર પોતાની દુકાન તથા રહેણાંક મકાન ધરાવતા ભુપેન્દ્રભાઈ મોતીલાલ કલાલની દુકાનના તાળા તોડીને તસ્કરો પ્રવેશ્યા હતાં. દુકાનમાંથી એક તેલનો ડબ્બો તથા રોકડ પરચુરણ 1500 સહિત એક એક લીટરના તેલના પાઉચો તેમ તેમજ વિમલ તથા મસાલાના પેકિંગો મળી 15 હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી ગયા હતાં.

આ ઉપરાંત સાઇંનગર સોસાયટીમાં રહેતાં ચંદન કુમાર શાંતિલાલ જીનગર તેમના બીજા મકાન ઉપર રાત્રિના સમયે ઊંઘવા માટે ગયા હતા.તે દરમિયાન સાંઈનગર સોસાયટી વાળા મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. અંદર પ્રવેશ કરી તિજોરી વિગેરેની તોડફોડ કરી તિજોરીમાંથી રોકડ રૂપિયા 2.50 લાખ જ્યારે કબાટની તોડફોડ કરી તેમાંથી રૂપિયા 15 હજાર રોકડા સહિત ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં.

પ્રવીણભાઈ ભીખાભાઈ સંગાડા સાઈ નગર સોસાયટીની બાજુમાં પોતાનું મકાન ધરાવે છે. જેઓ હાલ બહારગામ મજૂરી કામે ગયેલા છે. જ્યારે બે નાના છોકરાઓ ઘરે રહે છે. તેઓ રાત્રિના સમયે મકાનને તાળું મારી બાજુમાં રહેતા તેમના કાકાના ઘરે ઊંઘવા માટે જતા રહે છે. જેનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ઘરમાંથી રોકડ તથા એક પિત્તળનું બેઢુ ચોરી કરી ગયા હતાં. ત્રણ સ્થળેથી 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાતાં સુખસર પંથકમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...