ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના એક 22 વર્ષિય આશાસ્પદ યુવાનની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના માતા ફળિયામાં રહેતો 22 વર્ષિય અર્જુનભાઈ હુમાભાઈ પારગી તા.8મી મેના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગ હોય રાત્રીના બે વાગ્યા સુધી લગ્ન પ્રસંગમાં હાજર હતો.
ત્યાર બાદ તેઓ ઘરે આવી ઘરના આંગણામાં ઉંઘી ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે ઘરના સભ્યોએ જોતા અર્જુનભાઈ પારગી ખાટલામાં જોવા મળેલ ન હતો. તેમજ મોડે સુધી ઘરે પરત નહી આવતા ગામમાં તથા સગા સંબંધીઓમા તપાસ કરી હતી.
પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. આસપાસમાં તથા ગામમાં આવેલ કુવાઓમાં તપાસ કરતા નજીકમાં આવેલ ગવલાભાઈ ચોખલાભાઈ પારગીના કુવામાંથી અર્જુનભાઈની લાશ મળી આવી હતી. અર્જુનભાઈની લાશ કુવામાંથી મળી આવતા પરિવારમાં રોકકળ મચી ગઇ હતી અને લગ્ન પ્રસંગની જગ્યાએ માતમનો માહોલ સર્જાયો હતો.
આ સંદર્ભે મૃત્તકના ભાઈ કાળુભભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતકની લાશનું ફતેપુરા સરકારી દવાખાને પી.એમ. કરાવ્યા બાદ લાશનો કબજો તેમના વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.