દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામની પ્રેમમાં અંધ બનેલી પરીણિતાએ પોતાના બે બાળકોની પરવા કર્યા વગર પ્રેમી, ભાઇ અને ભૂવા સાથે મળીને પોતાના પતિની હત્યા કરાવી નાખી હતી. જોકે, ગુનાઇત કાવતરાનો પર્દાફાશ થતાં મહિલા હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે. પિતાનું મોત થઇ ગયુ છે અને માતા જેલમાં હોવાથી તેમના બે બાળકો હાલ નોંધારા બન્યા છે. બંને બાળકોને હાલ તેમના કાકાઓ જમવાનું આપી રહ્યા છે.
ફતેપુરાના વલુન્ડા ગામના રમણભાઇ બરજોડની પીપલારામાં બ્રિજ નીચેથી લાશ મળી આવ્યા બાદ તેમના મોત પાછળ પત્ની રેશમબેન હોવાનું સામે આવ્યુ હતું. ઘુઘસ ગામના બોરીયાભાઇ નામક યુવકના પ્રેમમાં ગળાડૂબ બનેલી રેશમે પતિ રમણભાઇને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યુ હતું. ઘુઘસ ગામના જ ભૂવા ચીમન બારિયા અને ડુંગર ગામે રહેતાં રેશમના ભાઇ રાકેશ દામાને પણ હત્યાના કાવતરામાં ભેળવ્યો હતો. રમણભાઇને ભૂવાની વિધિના બહાને ડુંગર લઇ જઇ ગળુ ભીંચી હત્યા કરીને લાશ સગેવગે કરી નાખી હતી. પોલીસે ચારેને ગુરુવારે ફતેપુરા કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.