પ્રજાના જાનમાલની મિલકતની રક્ષા કરવા પોલીસને પૂરતી સત્તાઓ આપવામાં આવેલ છે. સાથે-સાથે હોમ ગાર્ડ તથા જી.આર.ડી ના જવાનો પણ પોલીસની સમકક્ષ ફરજ બજાવી રહ્યા છે. અને જેઓ ખાસ કરીને લાકડીના સહારે રાત્રી ફરજ બજાવે છે. જેમાં ખાસ કરીને જી.આર.ડી, હોમગાર્ડના જવાનો દિવસે ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરતા હોય છે. રાત્રીના સમયે ફરજ બજાવવા જતા હોય છે.
મોટાભાગના આ જવાનો રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ પરિવારોમાંથી આવે છે.અને તેઓ ખાસ કરીને પોતાને મળતાં વેતન ઉપર મદાર રાખતા હોય છે. પરંતુ નિયમિત સમયસર પોતે બજાવેલી ફરજનુ વેતન નહીં ચૂકવાતા મુશ્કેલીમાં મુકાતા હોય છે. ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર પોલીસ સ્ટેશનોમાં દોઢસો જેટલા જી.આર.ડી.ના જવાનો લાકડીના સહારે અને જીવના જોખમે રાત્રી ફરજ બજાવી રહ્યા છે. જેઓને છેલ્લા ત્રણ મહિનાથી મળવાપાત્ર વેતન ચૂકવવામાં નહીં આવતા હાલ મુશ્કેલીમાં મુકાયેલા હોવાનું જાણવા મળે છે.
જોકે મોટા ભાગના આ જવાનો ખેતીવાડી સાથે સંકળાયેલા છે.અને હાલ ચોમાસાની સિઝન આવી રહી છે, ત્યારે ખાતર તથા બિયારણ લાવવા પોતાને મળતા વેતન ઉપર આશા રાખી બેઠા છે.જ્યારે અનેક જવાનોને પરિવારના ભરણપોષણ માટે માત્ર જી.આર.ડી નું વેતન એકમાત્ર આધાર છે.તેવા સમયે આ જવાનોને વહેલી તકે વેતન ચૂકવી અપાય તેવી જી.આર.ડી જવાનોમાં માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.