ફતેપુરાનીતાલુકાના પંચાયત કચેરીમાંથી કોરા ચેકની ચોરી કર્યા બાદ તેમાં તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહિ કરીને આ ચેક ઝાલોદની એસબીઆઇ બેન્કમાં વટાવી લીધો હતો. ચેક દ્વારા અધધ..65.15 લાખ રૂપિયાથી વધુ રકમ ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લીના ખાતામાં ટ્રાન્સફર થઇ હતી. આ ભોપાળુ સામે આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ મંડળીના કર્તાધર્તા સામે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો હતો.
ફતેપુરા તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી જે.એમ ઠાકોરે પોલીસને જણાવ્યુ હતું કે, તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળે આવેલી એકાઉન્ટ ઓફિસમાંથી 1 ઓગસ્ટ 2022 પહેલા કોઇ વ્યક્તિ દ્વારા પીએલએ ટુ ટીડીઓના નામના એકાઉન્ટ નંબર 33852573502 નંબરની ચેકબુકમાંથી એક 346820 નંબરના કોરા ચોકની ચોરી કરી ગઇ હતી. આ ચેકમાં તાલુકા વિકાસ અધિકારીના નામની ખોટી સહિ કરીને તેને ઝાલોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં વટાવવામાં આવ્યો હતો.
ચેક દ્વારા 65,15,547 રૂપિયાની રકમ ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લીના ખાતામાં જમા થઇ હતી. તપાસ બાદ આ ખાતુ આફવા ગામના રાજેશભાઇ ભેમાભાઇ લબાનાના નામનું હોવાનું જણાયુ હતું. આ બનાવ અંગે તાલુકા વિકાસ અધિકારી જે.એમ ઠાકોરે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી હતી. પોલીસે ઇપીકો 380,467 અને 471 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એકાઉન્ટન્ટે જાણ કરતાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું
ઓફીસમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે હિમાંશુભાઇ ભાવસાર ફરજ બજાવે છે. તે જ એકાઉન્ટને લગતી કામગીરી કરે છે. ઓફિસની ચાવીઓ પટાવાળા પાસે અને એકાઉન્ટની તીજોરીની ચાવી હિમાંશુ પાસે રહે છે. 5મી તારીખે કલેક્ટર કચેરી ખાતે મીટીંગ પૂર્ણ કરીને પરત જતી વેળા હિમાંશુએ આ બાબતની જાણ કરતાં કૌભાંડ થયું હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું.
સરખામણી કરતાં સહી થોડી જુદી નીકળી - ટીડીઓ
તાલુકા વિકાસ અધિકારી જે.એમ ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે, ટ્રેઝરીમાં ચેકની તપાસ કરી તેનો ફોટો પાડી લીધો હતો. ચેકમાં તાલુકા વિકાસ અધિકારીનો સિક્કો અને સહી કરેલી જોવા મળી હતી. ત્યાર બાદ બેન્ક મેનેજર પાસે જઇને તપાસ કરતાં બેંકમાં આપેલા સહીના નમૂના સાથે સરખામણી કરતાં સહી બરોબર મળી આવી ન હતી. જો સહી બરોબર મળી ન હતી તો ચેક કઇ રીતે પાસ થયો તે તપાસનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.