જીવલેણ હુમલો:બલૈયામાં સુખસરના બે યુવકો પર હુમલો,1નું મોત

બલૈયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
બલૈયામાં યુવકો પર હુમલા અંગે તપાસ કરતી પોલીસ. - Divya Bhaskar
બલૈયામાં યુવકો પર હુમલા અંગે તપાસ કરતી પોલીસ.
  • ઘાયલ યુવકના નિવેદનના આધારે હત્યા અને હત્યાના પ્રયાસ સંબંધિ ગુનો દાખલ કરવાની તજવીજ

ફતેપુરામાં કોર્ટ મુદ્દતેથી પરત ફરતાં બે યુવકો ઉપર ધસી આવેલા ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં એક યુવકનું ઝાલોદમાં સારવાર વેળા મોત થયું હતું જ્યારે ગંભીર રૂપે ઘાયલ બીજાને દાહોદ ઝાયડસ ખસેડાયો હતો. આ હુમલો કયા કારણોસર કરાયો તે જાણવા મળ્યું નથી. ઘટના પગલે પોલીસ હત્યા સબંધિ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા ફળિયા ખાતે રહેતા 22 વર્ષિય સંગાડા ટીનાભાઇ રામાભાઇ તથા કાળુભાઈ મુકેશભાઈ વળવાઈ ગુરૂવારના રોજ ફતેપુરાથી કોર્ટ મુદ્દતે હાજર થઇ મોટર સાયકલ ઉપર ઘરે આવી રહ્યા હતા. તેવા સમયે બલૈયા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની સામે હાઇવે ઉપર ફોર વ્હીલર ગાડીમાં આવેલા 10થી 15 લોકોના ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

બંને યુવાનોને હાથે,પગે તથા શરીરે,માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી છુટ્યા હતા. ઇજાગ્રસ્ત બંને યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર બાદ ઝાલોદ ખસેડાયા હતાં. ટીનાભાઇ સંગાડાનું ઝાલોદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે કાળુભાઈ વળવાઈને દાહોદ ખસેડાયો હતો.

હુમલો કોઇ અંગત અદાવતમાં કરાયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે. હુમલાખોરો કોણ છે અને કેમ હુમલો કરાયો તે અત્યારે જાણવા મળ્યુ નથી. ઘાયલ યુવકના નિવેદનના આધારે હત્યા અને હત્યાના પ્રયાસ સબંધિ ગુનો દાખલ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ઘટનાથી સુખસર પંથકમાં ખળભળાટ મચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...