પરિવાર ધરણા પર:સુખસરમાં આરોપી ન પકડતાં પોલીસ મથક પાસે પરિવાર ધરણા પર ઉતર્યુ

સુખસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોળાએ 7 દિવસ પહેલાં અગમ્ય કારણોસર માર મારીને હત્યા કરી હતી

ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનોને બલૈયા ખાતે મારામારી કરતા એક ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયાને સાત દિવસનો સમય વીતવા છતાં આરોપીઓને ઝડપાયા ન હતાં. કલેકટર દાહોદ, પોલીસ અધિક્ષક દાહોદ, ફતેપુરા પી.એસ.આઇ સહિત સુખસર પી.એસ.આઇને લેખિત રજૂઆત બાદ શુક્રવારે મૃતક યુવાનના પરિવારજનોએ મોટી સંખ્યામાં સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં ઉપવાસ આંદોલન ઉપર ઉતરતાં દોડધામ મચી ગઇ હતી.

10 નવેમ્બરના રોજ સુખસરના બે યુવાનો ફતેપુરાથી પરત સુખસર આવી રહ્યા હતા. તે સમયે બલૈયામા આ યુવાનોને આંતરી 12 જેટલા હુમલાખોરોએ મારામારી કરી જીવલેણ ઇજાઓ પહોંચાડતા સુખસર સંગાડા ફળિયા ખાતે રહેતા ટીનાભાઇ રામાભાઇ સંગાડાનું સારવાર દરમિયાન મોતની નિપજ્યું હતું.

જેની 11 નવેમ્બરના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા 12 જેટલા આરોપીઓની વિરુદ્ધમાં હત્યા તથા મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાને સપ્તાહ વિત્યુ હોવા છતાં તેઓ પકડાયા ન હતા ત્યારે મૃતક યુવાનની માતાએ સ્થાનિકથી લઈ જિલ્લાકક્ષા સુધીના લાગતા-વળગતા તંત્રોને જાણ કરી હતી. શુક્રવારે આ મુદ્દે મોટી સંખ્યામાં પરિવારના લોકો અચોક્કસ મુદ્દતના ઉપવાસ ઉપર ઉતરી ગયા હતાં. જોકે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા મૃતકના પરિવારજનોને પોલીસ દ્વારા બે દિવસનો સમય આપવા માંગ કરવામાં આવી રહી છે. જ્યારે મૃતક યુવાનના પરિવારજનો તાત્કાલિક આરોપીને ઝડપો પછી જ અમો અમારું આંદોલન હટાવીશુ ની હઠ લઈને બેઠા હોવાનું જાણવા મળ્યુ છે.

સમાચાર લખાય છે ત્યાં સુધી સાંજે પરિવારના લોકોના પોલીસ મથક આગળ ધરણા ચાલુ જ હતાં. ઘટના પગલે ઝાલોદ સંજેલી, ફતેપુરા તથા સુખસરની પોલીસ ખડકી દેવામાં આવી હતી. દાહોદ એલ.સી.બી. પી.આઈ, ડી.વાય.એસ.પી, સી.પી.આઈ. ઝાલોદનાઓ પણ સુખસર પોલીસ સ્ટેશન ઉપર દોડી આવ્યા હતા.

આંદોલન પર બેઠેલા લોકોને સમજાવવાના તમામ પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે સુખસરના સંગાડા ફળિયા તથા કટારા ફળિયા ખાતે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું
આરોપીઓ પકડ્યા નથી. આ મારામારી અને હત્યાની તપાસ દાહોદ જિલ્લાના પોલીસ સિવાય અન્ય કોઈ તપાસ એજન્સીને તપાસ સોંપવામાં આવે તેવી અમારી માંગ છે. તેમજ અમોને સાચો ન્યાય નહીં મળે તો અમો આવનાર વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.> વિજયભાઈ સંગાડા, મૃતકના ભાઈ, સુખસર

અન્ય સમાચારો પણ છે...