ફતેપુરામાં કાળા રંગની ગાયને હડકવો ઉમળતાં તેણે આકુળવ્યાકુળ બનીને ઘુઘસ રોડ ઉપર આતંક મચાવ્યો હતો. સંખ્યાબંધ વાહનો પાડી દીધી હતી. સ્થાનિકોએ મહામહેનતે ગાયને કાબૂમાં લઇને થાંભલા સાથે બાંધતાં લોકોએ હાશ અનુભવી હતી.
ફતેપુરામાં ધુધસ રોડ વિસ્તારમાં કાળા કલરની ગાયને હડકવો ઉમળતા તે મોઢામાંથી લાળ ઝરતી હાલતમાં ફરતી જોવા મળી હતી. એક સમયે લોકોને મારવા માટે તેણે ફતેપુરા-ઘુઘસ રોડ પર દોટ મુકતાં લોકોમાં નાસભાગ મચી હતી. ગાયની અડફેટમાં આવેલા સંખ્યાબંધ વાહનોને નુકસાન થયુ હતું.
આ સાથે કેટલાંક લોકોને સામાન્ય ઇજાઓ પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. અવર-જવર કરતા વાહનો તેમજ ઊભા વાહનો પર માથું મારતી હોઇ લોકોમાં ભય ફેલાયો હતો. . લોકોએ ગાયને પકડવા માટે ગાળીયો બનાવીને તેને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી.
મકાનની સાઈડમાં ખુલ્લા પ્લોટમાં ગાયને રસ્સી વડે બાંધી માલિકની શોધખોળ ચાલુ કરી હતી. માલિકની ભાળ મળી ન હોય ફતેપુરા પશુ દવાખાના સંપર્ક કર્યો હતો. રૂબરૂ દવાખાને જઈ તપાસ કરતા ત્યાં કામ કરતા આસિસ્ટન્ટ ડોક્ટરો મળી આવતા ગાયની સારવાર માટે રજૂઆત કરાઇ હતી.
જોકે, તેમણે ગાયને હડકવા ઉમળ્યા બાદ તેનો કોઈ જ ઈલાજ થઈ શકે તેમ નથી અને જો અગાઉથી જાણ કરી હોત તો ગાયને હડકવા વિરોધી રસી આપી શકત તેવું જણાવતાં લોકો ઉદાસ થઇ ગયા હતાં. તેમ છતાં પણ અમો સ્થળ પર જઈને ગાયનુ નિરીક્ષણ કરી જરૂરી સારવાર આપીશું તેવી ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.