વિધાનસભા 2022ની ચૂંટણીમાં દેવગઢબારીયા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીમાં ઉમેદવારી માટે કેટલાય ઉમેદવાર ટિકિટની આશામાં અલગ- અલગ રાજકીય પક્ષ સમક્ષ પોતાની ફાઇલ મૂકી હતી. આ વિધાનસભા સીટ ઉપર હવે ચાર રાજકીય પક્ષ મેદાનમાં આવી રહ્યા છે. જે ચાર પક્ષમાં ભાજપ માંથી બચુ ખાબડ, આમ આદમી પાર્ટીમાંથી ભારત વાખળા,એનસીપી માંથી ગોપસિંગ લવાર અને પ્રજા વિજય પક્ષમાંથી સામંત ગુરુજીના નામની મોહર લાગી છે.
દેવગઢબારીયા વિધાનસભામાં ભાજપામાં ધાનપુર તાલુકાના પીપેરો ગામના બચુભાઈ ખાબડને પાર્ટીએ ફરીથી વિશ્વાસ મૂકીને ટિકિટ ફાળવી છે. બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસ અને ફરીથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ભોરવા ગામના ગોપસિંગભાઇ લવારને કોંગ્રેસ-એનસીપીના ગઠબંધન બાદ એનસીપીના ઉમેદવાર તરીકે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા લખણગોજીયા ગામના ભરત વાખળાને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે હવે નવા એવા પ્રજા વિજય પક્ષમાંથી ધાનપુરના સામંત ગુરુજીને ટિકિટ ફાળવવામાં આવી છે.
દેવગઢબારીયા વિધાનસભા મતવિસ્તારમાં ચારે ઉમેદવાર એક જ પંથક માંથી ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય પક્ષો એ ટિકિટ ફાળવવામાં ધાનપુર તાલુકાના ઉમેદવારો ઉપર પસંદગી ઉતારતાં તેમની વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે તેમ જોવાઇ રહ્યું છે. ત્યારે કોણ બાજી મારે અને કોણ કોની બાજી બગાડે છે તે તો ગણતરી બાદ જ ખબર પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.