ધાનપુર તાલુકાના કાંટુ ગામે યુવકે 10 અને 5 વર્ષિય બે સગા ભાઇનું ટીફીન ખવડાવવાના બહાને અપહરણ કર્યા બાદ બંનેની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું ખુલતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. 10 વર્ષિય બાળકની લાશ પથ્થરો નીચે દાબેલી, જ્યારે 5 વર્ષિય બાળકની લાશ કૂવામાંથી મળી આવી હતી. બાળકોના પિતા સાથે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં આ હેવાનિયત ભર્યુ કૃત્ય આચરાયું હોવાનું જાણવા મળ્યું છે.
અપહરણ સંબંધિત ગુનો દાખલ કરીને યુવકની અટકાયત
આ ઘટના અંગે ધાનપુર પોલીસે અને અપહરણ સંબંધિત ગુનો દાખલ કરીને યુવકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર કાંટુ ગામના નિશાળ ફળિયામાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ મનુ મોહનિયા 10મી તારીખની સાંજના સાત વાગ્યે કાંટુ ગામના સુરાડુંગરી ફળિયામાં રહેતાં અને વન વિભાગમાં વોચેમેનની નોકરી કરતાં નરવતભાઇ સોમાભાઇ બામણિયાના ઘરે ગયો હતો.
રાજેશ બંને બાળકોને લઈ ગયા બાદ ઘરે મૂકવા ના આવ્યો
ઘરઆંગણે રમી રહેલાં નરવતભાઇના 10 વર્ષીય પુત્ર દિલીપ બામણિયા અને 5 વર્ષીય પુત્ર રાહુલ બામણિયાને ટિફિન જમાડવાની લાલચ આપીને પોતાની લાલ રંગની બાઇક ઉપર બેસાડીને અપહરણ કરી ગયો હતો. આ વખતે નરવતભાઇ ઘરે ન હતા, પરંતુ તેમની પત્ની સામે રાજેશ બંને બાળકોને લઇ ગયા બાદ મોડે સુધી ઘરે મૂકવા આવ્યો ન હતો. જેથી રાજેશના ઘરે તપાસ કરાઇ હતી, પરંતુ તે અને બાળકો મળ્યા ન હતાં. આખી રાત બાદ 11મીની સવારે આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી.
રાજેશ સામે હત્યા અને અપહરણ સંબંધી ગુનો દાખલ
જોકે તપાસ બાદ પણ કોઇ પત્તો મળ્યો ન હતો. કાંટુથી બે કિમી દૂર આમલીમેનપુર ઘાટા પાસે જંગલમાં ગયેલા કેટલાક લોકોને પથ્થરો નીચે દાબેલી લાશનું મોઢું જોવા મળતાં આ બાબત સામે આવી હતી. તપાસ બાદ મૃત મળેલું બાળક દિલીપ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે રાજેશની ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં તે મળી આવ્યો હતો. ત્યાર બાદ પાંચ વર્ષિય રાહુલની લાશ પણ કંજેટા રોડ ઉપર ઘાટા સ્થિત કૂવામાંથી મળી હતી. ધાનપુર પોલીસે રાજેશ સામે હત્યા અને અપહરણ સંબંધી ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
બંને લાશ વચ્ચે સાત કિલોમીટરનું અંતર
10 વર્ષીય દિલીપની લાશ કાંટુ ગામથી 2 કિમી દૂર આમલી મેનપુર ગામના ઘાટા પાસે પથ્થરોમાં દબાવેલી મળી આવી હતી, જ્યારે 5 વર્ષિય રાહુલની લાશ કાંટુ ગામની આઠેક કિમી દૂર કંજેટા રોડ ઉપર ઘાટા નજીકના કૂવામાંથી મળી આવી હતી. આ બંને ભાઇઓની લાશ ત્યજાઇ હતી તે વચ્ચેનું અંતર સાત કિમીનું છે.
કેવી રીતે માર્યાં એ રહસ્ય
બંને બાળકોની ઘાતકી હત્યામાં સામેલ રાજેશ ઉર્ફે રાજુએ તેમને કઇ રીતે મોતને ઘાટ ઉતાર્યા તે હજી જાણવા મળ્યું નથી. પથ્થરો નીચે દબાવેલા રાહુલનું ગળુ ભીંચી દેવા સાથે કોઇ હથિયારના ઉપયોગ સાથે તેની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે. બીજી તરફ રાહુલનું ગળુ દાબી હત્યા કર્યા બાદ કૂવામાં ફેંક્યો કે જીવતો જ કૂવામાં ફેંકી દેવાયો કે કેમ તે આરોપીની પૂછપરછ બાદ જ સામે આવે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.