ગુમલી ગામમાં ખેતરમાં નિંદ્રાધિન યુવકનો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. યુવકનો કાનનો ભાગ જ ગાયબ અને ગાલે ઇજાના નિશાન હતાં. યુવક ઉપર વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે કે અન્ય કોઇ ઘટના બની છે તે પોસ્ટ મોર્ટમ બાદ જ સામે આવે તેમ છે.
ગુમલીમાં ઉધાલમહુડા કેમ્પ સાઇડ જંગલથી 100 એક મીટરમાં ખેતરની ઘરની અંદર સૂતેલા 43 વર્ષીય બળવંતભાઈ પ્રતાપભાઇ માવીનો સવારે મૃતદેહ મળ્યો હતો. તેમનો જમણો ગાલ તેમજ કાનના ભાગે ગંભીર ઇજા જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં કંજેટા વન વિભાગે પ્રાણીના હુમલામાં મોતની આશંકા વ્યક્ત કરાઇ હતી. જોકે, કેસ શંકાસ્પદ લાગતાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. હાલ ધાનપુર પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બળવંતભાઈનું મોત ખરેખર વન્ય પ્રાણીથી થયેલા હુમલાથી થયું છે કે અન્ય કારણોસર તે તો પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
રાત્રે ત્રણેક વાગ્યે ખળભળ થયુ હતુ
રાતના ત્રણેક વાગ્યાના અરસામાં મારા ઘરની અંદર કોઈ જનાવર જેવું આવ્યું હોય તેથી થોડું ખળભળ થયું હતું પરંતુ મારો દીકરો ઊંઘેલો છે એવું જાણીને હું એ બાજુ ગઈ નથી. મને એટલું બધું દેખાતું ન હોવાથી ખબર ના પડી. સવારમાં જોયું તો મારો દીકરો ઊંઘેલી અવસ્થામાં ગંભીર ઇજાઓ અને કાન જ ગાયબ હોય એવી હાલતમાં જોતા અમે વન વિભાગને જાણ કરી હતી. >મંગીબેન, મૃતકની માતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.