આગામી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેવગઢબારિયાના સમડી સર્કલ ખાતે 100 ફૂટની ઊંચાઈએ ધ્વજ ફરકાવાશે. હાલ તેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અહી આખું વરસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેવું આયોજન નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. જેને પગલે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા રજવાડી નગર તરીકે જાણીતું અને માણીતું છે. તેની નગરરચના અને ઐતહાસિક રાજવી સ્થાપત્યોના કારણે પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.
તે સાથે હવે આધુનિકીકરણને પગલે નવી સવલતો વિકસી રહી છે. તેમાં વધુ એક સિરપાવ જોડાઈ રહયો છે. નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સમડી સર્કલ ખાતે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો ધ્વજ પોલ ઊભો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન સોનીએ જણાવ્યું હતું કે અહી પ્રજાસત્તાક પર્વ પ્રસંગે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજને સલામી અપાશે.
એટલું જ નહીં અહી ૩૬૫ દિવસ અને ૨૪ કલાક રાષ્ટ્રધ્વજ સતત ફરકતો રાખવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને સમરણાંજલિ આપવાનો તેમજ યુવા પેઢીમાં દેશપ્રેમ જાગ્રત રહે તે માટે નગરપાલિકાનો આ નેક પ્રયાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.