દેવગઢ બારિયાના રાજમહેલ રોડ ઉપર આવેલા અલંકાર પેટ્રોલ પંપ ઉપર સવારના સમયે કેશિયરની કેબીનમાં ધસી ગયેલા ત્રણ યુવકો તેની આંખમાં મરચુ નાખીને 15 લાખ રૂપિયા રોકડા લુંટીને ફરાર થઇ ગયા હોવાની ઘટના વાયુવેગે પ્રસરતા ખળભળાટ મચ્યો હતો.
છોટાઉદેપુર ખાતે રહેતાં અબ્દુલભાઇ મજીદભાઇ પઠાણના દેવગઢ બારિયાના રાજમહેલ રોડ ઉપર અલંકાર અને ભડભા ગામમાં અલંકાર નામક પેટ્રોલ પંપ આવેલા છે. પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા આબીદભાઇ આરબ નામક કેશિયાર તેમની રૂમમાં બંને પેટ્રોલ પંપની બે દિવસની ભેગી થયેલી 15 લાખ રૂપિયાની સીલક ટેબલ ઉપર મુકીને ગણી રહ્યા હતાં.
તે વખતે તેમની રૂમમાં પ્રવેશેલા ત્રણ લુટારુઓએ તેની આંખમાં મરચાની ભુકી નાખી 15 લાખ રૂપિયાની રોકડ સાથે સીસી ટીવીનું ડીવીઆર પણ લુંટીને ફરાર થઇ ગયા હતાં. પેટ્રોલ પંપ ઉપર ચાર કર્મચારીઓ કામ કરે છે ત્યારે લુટારુઓ બાઇક ઉપર આવ્યા કે પગપાળા તે પણ કોઇને ખબર પડી ન હતી.
લુટની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. આ બનાવમાં તપાસ બાદ કેટલીક કડીઓ મળી રહી ન હોવાને કારણે વિવિધ શંકા-કુશંકાથી પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે. જોકે, ખરેખર લુંટ થઇ છે કે નહીં તેવા અનુમાન ઉપર પોલીસ આખા દિવસ દરમિયાન પહોંચી શકી ન હોવાથી ગુનો દાખલ કરાયો ન હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.