અકસ્માત:ભુવાલ ગામમાં બાળકના પગ ઉપર વાન ચડાવી દેતાં ફ્રેક્ચર

દેવગઢ બારિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાળક ગોધરા ખાનગી દવાખાને સારવારમાં, ચાલક ફરાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામે હા‌ઇવે ઉપર રોડની સાઇડમાં ઝાડના છાયડામાં બેઠેલા 8 વર્ષિય બાળકના પગ ઉપર ઇકો ગાડી ચડાવી ઢીંચણથી નીચેના ભાગે ફ્રેક્ચર કરી ગાડી મુકી ચાલક નાસી ગયો હતો. ભુલાવ ગામના શનાભાઇ મગનભાઇ પટેલ તા.8મી નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે પત્ની સંતોકબેન તથા તેમના સંતાનો સહિત ઘરથી થોડે દૂર જમરાસીયા ડુંગર પાસે માળ વાળા ખેતરમાં ડાંગર કાપવા ગયા હતા. ત્યારે શનાભાઇ તથા પત્ની અને બે છોકરીઓ ખેતરમાં ડાંગર કાપતા હતા અને બન્ને છોકરાઓ રોડની નજીક ઝાડ નીચે છાયડામાં બેઠા હતા.

તે દરમિયાન બપોરના આશરે બારેક વાગ્યે દામાવાવ તરફથી આવતી ઇક્કો ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝાડના છાયડામાં બેસેલા 8 વર્ષિય અજયના ડાબા પગ ઉપર ગાડી ચઢાવી દેતાં ઢીંચણથી નીચેના ભાગે ફ્રેક્ચર કરી પોતાની ગાડી ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત અજયને તાત્કાલિક 108 દ્વારા ગોધરા ખાનગી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. અકસ્માત સંદર્ભે શનાભાઇ મગનભાઇ પટેલે નાસી ગયેલા ઇકો ગાડીના ચાલક સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...