આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિન છે. સંખેડા તાલુકાની એક નર્સ જે છેલ્લા 14 વર્ષથી નર્સ તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે. આ નર્સે કોરોનાની સંખેડા તાલુકામાં સૌથી પહેલી વખત રસી મુકાવી હતી. બે વખત કોરોના થયો હોવા છતાં પણ પોતાની કોરોનાના સમયગાળા દરમિયાન કપરી ફરજ અદા કરી હતી. ભૌગોલિક પરિસ્થિતિ વિષમ હોવા છતાં પણ પોતાની ફરજને અત્યંત નિષ્ઠાપૂર્વક બજાવી હતી. નદી પગે ચાલીને ઓળંગીને તો ખેતરોમાં જઈ ખેત મજૂરી કરતા લોકોને પણ વેક્સિન મૂકી હતી.
સંખેડા ગામમાં રહેતા ફરજાનાબેન ચાંદભાઈ મન્સૂરી જે. છેલ્લા 14 વર્ષથી 11 મહિનાના કરાર આધારીત નર્સ તરીકેની ફરજ ઈન્દ્રાલ સબ સેન્ટર ઉપર બજાવે છે. આ સબસેન્ટરમાં અગિયાર ગામો છે. જેમાં વેલપુર, સોયથા તથા શ્રીગામ કણબી અને શ્રીગામ ધાણકા. આ ગામોમાં આવવા જવાની ઘણી જ મુશ્કેલી હોવા છતાં પણ તેઓ પોતાની ફરજ આ ગામોમાં પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવે છે. તેમના આ વિસ્તારના ગામોમાં અત્યાર સુધી એક પણ માતાનું મરણ ડિલિવરી દરમિયાન થયું નથી.
સંખેડા તાલુકામાં જ્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલી કોરોનાની રસી પણ ફરજાનાબેન મન્સૂરી મુકાવી હતી.તેમને નોકરીના આ સમયગાળા દરમિયાન બે વખત કોરોના થયો હતો. તેમ છતાં પણ કોરોનાથી સાજા થયા બાદ એ જ જોમ અને જુસ્સો સાથે ફરી પોતાની ફરજમાં જોડાઈ અને વેક્સિનેશનને લગતી કામગીરી પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને વિષમ પરિસ્થિતિ હોવા છતાં પણ બજાવી હતી.
સંખેડા તાલુકાના વેલપુર-સોયથા ગામેં જવા વચ્ચે હેરણ નદી આવે છે હેરણ નદીમાં પાણીમાં પગે ચાલીને નદી પસાર કરીને પણ વેલપુર સોયથા ગામે વેક્સિનેશન કર્યું હતું. ખેતરમાં કામ કરતાં ખેત મજૂરોને ખેતરમાં જઈને પણ ખેતમજૂરી કરનારાઓને વેક્સિનેશન કર્યું.
પડવણ ગામે કોરોનાની રસીને લઈને લોકોમાં અનેક માન્યતાઓ હતી પણ આ ગામના લોકોનો સમજાવીને આ ગામમાં વેક્સિનેશન કર્યું હતું. એક સિવિયર એનિમિયા પેશન્ટ જે સગર્ભા હતી અને પ્રસૂતિ મુશ્કેલ હતી. તેને જબુગામ દાખલ કરાવી હતી અને રાત્રે તેને ચઢાવવા માટેનું બ્લડ બોડેલીથી લઈને જબૂગામ ગઈ હતી. તેના વિસ્તારમાં અત્યાર સુધી એક પણ માતાનું મરણ પ્રસૃતી દરમિયાન થવા દીધું નથી. ઘરે પોતાના બે બાળકો અને સ્વ.જેઠાણીના 2 મળી કુલ 4 બાળકોની સાર સંભાળ રાખવાની સાથે નર્સ તરીકેની પણ ફરજ બજાવે છે.
ક્યારેય ફરજમાં નિષ્કાળજી જોવા મળી નથી
“ફરાજાના મન્સૂરી અમારા સ્ટાફમાં એક એવી નર્સ છે. જેને ગમે ત્યારે ગમે તે કામ સોંપો ક્યારેય ના જ નહીં. કોવિડની રસી પણ તાલુકામાં સૌથી પહેલી લીધી હતી. તેના વિસ્તારના કેટલાક ગામોમાં વિષમ ભૌગોલિક સ્થિતિ હોવા છંતા પણ ક્યારેય ફરજ બાબતે નિષ્કાળજી જોવા મળી નથી. - વૈશાલીબેન પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી, સંખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.