બહાદરપુર ગામેથી લોટિયા તરફ જવાના રસ્તે રેલવે ગરનાળા નજીકની સાઈડવોલ ચોમાસા દરમિયાન તા.10 જુલાઈના રોજ એકબાજુથી ધરાશાયી થઈ હતી. જેનું સમારકામ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા હતા. જોકે આ સમારકામનું મુહૂર્ત 6 મહિને આવ્યું છે. હાલમાં સમારકામ શરૂ કરાયું છે. જેને લીધે એ રસ્તે વાહનોની અવર - જવર બંધ કરાઈ છે.
આ રસ્તે અવર - જવર બંધ કરાતા બહાદરપુર ગામમાં ટ્રાફિક વધી ગયો હતો. એક તબક્કે બહાદરપુર રેલવે ફાટકથી ટાવર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો . આશરે એકાદ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જોકે એ બાદ ટ્રાફિક બ્રિગેડના જવાનો અહીંયા દોડી આવ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.
રેતીની ગાડીઓની સૌથી વધુ આવ-જા આ રસ્તે ચાલુ રહી હતી. જેના કારણે સામસામે બે વાહનો ભેગા થઈ જાય ત્યારે ટ્રાફિકજામ વધી જતો હતો. આ સમારકામ વધારે સમય જો ચાલવાનું હોય તો રેતી ભરેલી અને રેતી ભરવા જતી ટ્રકોને વાયા હાંડોદ, રતનપુર, કરનેટ રોડ ઉપર ડાયવર્ઝન અપાય તો ગામમાં ટ્રાંફિક જામની સ્થિતિ સર્જાય નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.