બેદરકાર તંત્ર:હાંડોદ રોડ પરના કાંસની મહિના બાદ પણ સાફ સફાઈ કરાતી નથી

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા મહિનાની સંખેડા તાલુકાની સંકલનમાં સફાઈ બાબતનો પ્રશ્ન ઉભો થયો હતો
  • સફાઇના અભાવે દુર્ગંધ આવતી હોવાની પણ ફરિયાદ થતી રહે છે

સંખેડા તાલુકા સંકલનની ગયા મહિને યોજાયેલી મિટિંગમાં હાંડોદ રોડ ઉપર સુંદરવન સામે આવેલી કાંસની સફાઈ બાબતેનો પ્રશ્ન ઉભો થયો હતો. એક મહિનો સંકલન બેઠકને થયો છતાં પણ હજી સુધી કાંસની સફાઈ કરવામાં આવી નથી. કાંસમાં આવતા ગંદા પાણીનો નીકાલ કરવા બાબતે પણ કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. સંખેડા તાલુકાની સંકલનની બેઠક ગયા મહિને તાલુકા સેવાસદનમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં સંખેડા હાંડોદ રોડ ઉપર આવેલી કાંસની સફાઈ બાબતે પ્રશ્ન થયો હતો.

જેને સાફ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી હતી. આ સંકલનની મિટિંગને એક મહિનો થયો હોવા છતાં આ કાંસની સફાઈ કરાઈ નથી. કાંસની સફાઈ તો દૂરની વાત રહી પણ અહીં આવતા ગંદા પાણીને અટકાવવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. અહીંયા કાંસ પાસે કેટલીય ગંદકી પણ છે. અવાર નવાર અહીંયા ખૂબ જ દુર્ગંધ આવતી હોવાની પણ ફરિયાદ ઉઠતી હતી.

કાંસમાં ભૂતકાળમાં ચોમાસા બાદ પાણી રહેતું નહોતું. પણ હવે બારેમાસ પાણી જોવા મળે છે. ગંદુ પાણી જોવા મળે છે. ઝાડી-ઝાંખરા પણ ઉગી નીકળેલા છે. ચોમાસામાં આગળ કોતરમાંથી આવતા પાણીને કારણે આ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળે છે. સંકલન જેવી બેઠક જ્યાં પદાધિકારી અને અધિકારીઓ બેસતા હોય છે.અને પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયત્ન કરવાનો હોય છે. છતાં આ કાંસની સફાઈ બાબતે ગયા મહિને પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેનું નિરાકરણ થયું નથી.તો સામાન્ય માણસોના પ્રશ્ન કેવી રીતે હલ થશે?

ગ્રા. પં.ની મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી
ગત મહિને સંખેડા ગ્રામ પંચાયતની માસિક મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં સંખેડા હાંડોદ રોડ ઉપર આવેલી કાંસમાં સુંદરવન સોસાયટીમાંથી આવતા ગંદા પાણીને કારણે સુંદરવન સોસાયટીને નોટિસ આપવાની ચર્ચા થઈ છે. - હિતેશ વસાવા, ડે.સરપંચ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...