સંખેડા તાલુકાની સરહદ નજીક મેવાસ વિસ્તારમાં આવેલા ડભોઇ તાલુકાના આસગોલ અને પરા ગામ વચ્ચે એના કોતર ઉપર સ્લેબ ડ્રેઈનનું કામ મુદત પૂરી થવા છતાં પૂર્ણ ન થતાં આસગોલ ગામના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે એવી સ્થિતિ ચોમાસામાં સર્જાશે. ગામના વિદ્યાર્થીઓ સંખેડા ગુંડીચા, ભીલોડીયા અને ડભોઇ ભણવા માટે જાય છે. ખેડૂતોને પણ મુશ્કેલી પડશે. તંત્ર દ્વારા અત્રે કામ કરનાર ઇજારદાર નરેશકુમાર અગ્રવાલને નોટિસ સુદ્ધાં આપી નથી. તંત્રની લાપરવાહીને કારણે આસગોલ ગામના લોકોને ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મેવાસ વિસ્તાર જે સંખેડા ડભોઇ અને તિલકવાડાનો ત્રિભેટાનો વિસ્તાર છે. તેમાં આવેલા ડભોઇ તાલુકાના આસગોલ અને પરા ગામ વચ્ચેથી એના કોતર પસાર થાય છે. એના કોતરમાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી આવે છે. પાણી આવવાને કારણે આસગોલ અને પરા વચ્ચે ચોમાસામાં પસાર થવું લોકોને મુશ્કેલી ભર્યું બનતું હોવાને કારણે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે અત્રે સ્લેબ ડ્રેઈન નું કામ મંજૂર થયું હતું.
સ્લેબ ડ્રેઈન બનાવવા માટેની કામગીરી ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી લઈ 31 મે સુધીમાં પૂરું કરવાનું હતું. પરંતુ ઇજારદાર નરેશકુમાર અગ્રવાલ એજન્સી દ્વારા ખૂબ જ મંથર ગતિએ કામ કરવાને કારણે માત્ર બે જ પાયા બહાર આવ્યા છે. જ્યારે અન્ય બે પાયા તો હજી સુધી ખુદાયા પણ નથી. જેને કારણે આગામી ચોમાસામાં આ ગામના 25 જેટલા વિદ્યાર્થીઓ ખેડૂતો વિગેરેને આસગોલથી પરા અને આગળના ગામમાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડશે જેને લઇને લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
વડોદરા જિલ્લા પંચાયતના ડભોઇ પંચાયત બાંધકામ વિભાગનાં તાબા આ કામગીરી ચાલી રહી છે. પરંતુ અત્રેના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરનાર એજન્સીને સમયમર્યાદામાં કામ પૂરું ન થવા છતાં નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી.અહીંયા કોઈ દેખરેખ રાખનાર પણ હાજર નથી. જેને લઇ બાંધકામ શાખાના તરફ પણ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
ગામમાંથી બહાર ભણવા જતા વિદ્યાર્થીઓને હેરાન થવુ પડે છે
સ્લેબ ડ્રેઈન બનાવવાના કામની મુદત પૂરી થઈ ગઈ છે છતાં કામ થયું નથી. ચોમાસુ માથા ઉપર છે. કોતરમાં પાણી આવી જાય તો લોકોને મુશ્કેલી પડશે. ગામમાંથી બહાર ભણવા માટે સંખેડા, ડભોઇ, ગુંડિચા અને ભિલોડિયા જાય છે એ લોકોને પણ ચોમાસામાં પાણી આવી જાય તો જવાની મુશ્કેલી પડે એમ છે. ગામ લોકોને પણ મુશ્કેલી પડશે. ગામ સંપર્ક વિહોણું થઈ જશે. > જનકભાઈ બારીયા, સરપંચ આસગોલ
કામગીરી 31 મે સુધી પૂરી કરવાની હતી છતાં આ કામ પૂરું થયું નથી
એના કોતર ઉપર 1.5 કરોડના ખર્ચે પુલ બનાવવાની કામગીરી થયેલી છે. કામગીરી 31 મે સુધી પૂરી કરવાની હતી. છતાં આ કામ પૂરું થયું નથી. વરસાદ પડવાથી ખેડૂતો, લોકો તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. 25 જેટલા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે. એમનો અભ્યાસ બગડશે. બાળકો ત્યાં જઈ શકે નહીં એમને શૈક્ષણિક કારકિર્દી બગડશે ખેડૂતોને પણ મુશ્કેલી પડશે. > પી.કે. બારીયા, ઉપપ્રમુખ મેવાસ બારીયા સમાજ, સંખેડા
PMનો પ્રોગ્રામ છે એટલે ડ્યૂટીમાં છીએ
કોન્ટ્રાક્ટર હવે ગેંગો મળતી નથી. માણસો જતા રહે છે. આવે ના એના લીધે બીજું કશું નથી. કામ ચાલુ જ છે. અત્યારે એ બાજુ આવી શકાય તેમ નથી. કારણ કે પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ છે એટલે એ ડ્યુટીમાં છીએ.ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મુદત પૂરી થઈ ગઈ છે. પણ કામ કરાવવું પડશે. અત્યારે નોટિસ અપાઈ નથી. પ્રધાનમંત્રી કાર્યક્રમમાં જોડાઈ ગયા છીએ. > મયંકભાઈ, અ.મ.ઈ. પંચાયત મ. અને મા. પેટા વિભાગ, ડભોઈ
2 પાયા સદંતર પણ ખોદવાના બાકી છે
આસગોલ અને પરા વચ્ચે બ્રિજ મંજૂર થયો છે એ દોઢ કરોડ રૂપિયાનો છે કે આજ સુધી બની નથી રહ્યો હવે ચોમાસાની તૈયારી છે. આજ સુધીમાં બે પાયા સદંતર પણ ખોદવાના બાકી છે અને બે પાયા જ બહાર આવેલા છે. > રમેશભાઈ બારીયા, આસગોલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.