તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કૂલના શિક્ષકો આસપાસના ગામોમાં જઇને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે

સંખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવા અંગેની કોઇ જ ગાઇડલાઇન નથી

સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કૂલના શિક્ષકો ગામડે ગામડે જઇને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો યજ્ઞ આરંભ્યો છે. કોરોનાના કારણે શાળામાં વિદ્યાર્થીઓને બોલાવવા અંગેની કોઇ જ ગાઇડલાઇન નથી. પણ શિક્ષકો ગામડામાં જઇને ગામના મંદિરે, બગીચામાં કે કોઇના ઘરે વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડીને ભણાવી રહ્યા છે.સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કૂલના આચાર્ય ચિરાગભાઇ શાહે આપેલી માહિતિ મુજબ તેમની શાળાના શિક્ષકો સંખેડા અને આસપાસના ગામોમાં જઇને વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યા છે.

ત્રણ દિવસથી આ પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને બેસાડાય છે. આ રીતે ગામના બગીચામાં, મંદિરના ઓટલા ઉપર કે કોઇના ઘરના ઓટલા ઉપર વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી શિક્ષકો કરી રહ્યા છે.” અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાના કારણે શાળામાં હજીય વિદ્યાર્થીઓને બોલાવવાના નથી. જેથી ઘણીય શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાની કામગીરી કરી રહી છે.

જોકે ઓનલાઇન અભ્યાસમાં ક્યારેક નેટવર્કની સમસ્યા તો ગ્રામીણ વિસ્તારોમાં એક જ મોબાઇલથી ઘરના બે કે ત્રણ બાળકો ભણનારા હોય ત્યારે મોબાઇલ ડેટાની પણ સમસ્યા સર્જાય છે. ભલે વિદ્યાર્થીઓ શાળામાં ન આવી શકે પણ શિક્ષકો તેમના સુધી પહોંચીને તેમને અભ્યાસ કરાવી રહ્યા છે.

સંખેડા અને ભાટપુરની શાળાના શિક્ષકો પણ શેરી શિક્ષણ આપી રહ્યા છે
સંખેડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ભાટપુર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો પણ છેલ્લા કેટલાક દિવસથી ગામના વિવિધ લત્તા મહોલ્લામાં જઇને બાળકોને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા છે. ઓનલાઇનને બદલે કદાચ શિક્ષક પાસે બેસીને વિદ્યાર્થીને ભણવાની મઝા આવતી હોય એમ બાળકો પણ તેમની પાસે ભણવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...