ભાસ્કર વિશેષ:12 વર્ષની બાળકીનું ઝારોલા મોતિયાનું સફળ ઓપરેશન

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરતી નાનપણથી 1 ફૂટ દૂર જ જોઈ શકતી હતી : ભટકાવાની બીકે રમી શકતી ન હતી
  • બીજી આંખે આવતા અઠવાડિયે સંખેડાની લાયન્સ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે

સંખેડા ઝારોલા લાયન્સ હોસ્પિટલ દ્વારા બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની આંખોની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગામની બારીયા આરતીબેન દિનેશભાઈ (ઉં.વ.12) આવી હતી. બારિયા દિનેશભાઈની બે દીકરીઓ હતી. લક્ષ્મી અને આરતી બંને જુડવા છે.

બંને ધોરણ 6માં અભ્યાસ કરે છે. લક્ષ્મીને બરાબર દેખાય છે. પણ આરતીને જન્મથી બિલકુલ ઓછું દેખાય માંડ એક ફૂટ જેટલું નજીકનું જ એને દેખાતું હતું. આરતી રમવા જાય પણ છોકરીઓ સાથે આંખે બરાબર ન દેખાતું હોવાથી ભટકાઈ જવાની બીકને કારણે રમી શકતી નહોતી. ઘરમાં એક જ જગ્યાએ બેસીને કામ કરતી હતી. કાયમ એનો હાથ પકડીને એની બહેન લક્ષ્મી નિશાળે લઈ જતી હતી.

આંખોની તપાસણીના કેમ્પમાં આરતીની બંને આંખે મોતિયો હોવાનું નિદાન થયું હતું. જેથી સંખેડા ઝારોલા લાયન્સ હોસ્પિટલમાં તેણીને લાવવામાં આવી હતી. રવિવારે તેનું ઓપરેશન ડૉ.હર્ષ રાઠોડ અને વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ ડૉ. હરિકૃષ્ણ દ્વારા કરાયું હતું.

આરતીની એક આંખે આજે મોતિયાનું ઓપરેશન થયા બાદ આંખની પટ્ટી ખોલી તપાસતા તેણે દૂરનું પણ લખાણ સરળતાથી વાંચી શકી હતી. તેનું ઓપરેશન સફળતાપૂર્વક થતાં ડોક્ટરોમાં પણ આનંદની લાગણી ફેલાઇ હતી. બીજી આંખે મોતિયાનું ઓપરેશન આવતા અઠવાડિયે કરવાનું હોવાનું અત્રેથી જાણવા મળ્યું હતું.

આરતીએ જણાવ્યું હતું કે,”મને દેખાતું નહોતું હવે દેખાય છે. “આરતીના પિતા દિનેશભાઇ જણાવ્યું હતું કે,” મારી છોકરી બાર વરસની અને છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને અહીંયા લાવ્યા ઓપરેશન પછી પટ્ટી ખોલતા દેખાય છે. પહેલા એકદમ નજીકથી જોતી હતી હવે તો દૂરથી દેખાય છે.” વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,”આરતીની એક જ ફૂટની નજર હતી. ફેંકો સર્જરી અને ફોલ્ડેબલ લેન્સ મુક્યો છે. અત્યારે જોયું નજર નોર્મલ આવી ગઈ છે.”

અન્ય સમાચારો પણ છે...