સંખેડા તાલુકાની રણછોડપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિમાંશુભાઈ પાનોલાની દીકરી માનસી યુક્રેનથી સહી-સલામત ઘરે પાછી આવી હતી. 10 કિમી પગે ચાલી 4 દિવસ શેલ્ટર હોમમાં રહ્યા બાદ વતનની ફલાઇટ મળી હતી. જોકે બોર્ડર ઉપર બાર કલાકની તપશ્ચર્યા બાદ તેને રોમાનિયામાં પ્રવેશ મળ્યો હતો. સંખેડા તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હિમાંશુભાઈ પા૯લાની દીકરી માનસી યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગઈ હતી.
હાલમાં તે છેલ્લા વર્ષમાં છે. ત્યાંથી આવ્યા બાદ તેણીએ ત્યાંનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, ‘યુદ્ધ શરૂ થયા બાદ અફરાતફરી થઈ હતી. પૈસા ઉપાડવાની પણ મુશ્કેલી પડતી હતી. જોકે હું ચર્નીવેલ્સમાં રહેતી હતી. ત્યાંથી રોમાનિયાની બોર્ડર 30 કિમી જ થાય છે. 5 બસમાં અમને 26 તારીખે બોર્ડર પાસે લઈ જવાયા હતા.પણ અહીંથી બીજા દેશના પણ વિદ્યાર્થીઓ હોવાથી બોર્ડર પાસે 10 કિમી દૂર ઉતારી દેવાયા હતા. જેથી બપોરે 3 વાગ્યાથી અમે ચાલવાનું શરૂ કરીને સાંજે 7 વાગે બોર્ડર પહોંચ્યા હતા. ત્યાં પણ વિદ્યાર્થીઓનો ધસારો હોવાથી બોર્ડર બીજા દિવસે સવારે 7 વાગ્યે ક્રોસ કરી હતી.
12 કલાક રાત્રે જાગવું પડયું હતું. ત્યાં અમને શેલ્ટર હોમમાં રખાયા હતા. અહીં આવ્યા બાદ રાહત હતી. અહીં 4 દિવસ રોકાયા પછી અમારો વારો આવ્યો. એટલે અમે અહીં આવી શક્યા. અમારી બાજુ યુદ્ધ જેવી સ્થિતિ તો નહોતી પણ બોર્ડર સુધી પહોંચવાની થોડી તકલીફ પડી. રોમાનિયા અને યુક્રેનની આર્મી પણ અમને મદદ કરવા આવી હતી.’
યુક્રેનથી પરત આવેલા ઢોકલિયાના યુવક સાથે એસડીએમની મુલાકાત
બોડેલીના ઢોકલિયાનો નિકુંજ દિનેશભાઈ પંચાલ યુક્રેન એમબીબીએસનો અભ્યાસ કરવા ગયો હતો. નિકુંજ યુદ્ધ શરૂ થયું તેના બે દિવસ પૂર્વે જ ઘરે આવ્યો હતો. જેનો અહેવાલ પ્રસિદ્ધ કરતા અધિકારીઓએ પણ તેની નોંધ લીધી અને બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહે નિકુંજ પંચાલની ઘરે જઈને મુલાકાત લીધી હતી. અને યુક્રેનના ફસાયેલા છાત્રો અંગે માહિતી લીધી હતી. તે વખતે ઢોકલિયાના સરપંચ મહેશ બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.