ભાસ્કર વિશેષ:પરવેટામાં શાળાએ જવા સુધીનો રસ્તો ભંગાર ‘વહેલા આવી રસ્તો બનાવી આપો’; બાળકો

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડી-સ્કૂલના રસ્તા માટે તંત્રને અપીલ કરતો બાળકનો વીડિયો વાયરલ

સંખેડા તાલુકાના છેવાડે પરવેટા ગ્રામ પંચાયત આવેલી છે. પરવેટા ગ્રામ પંચાયતના પરવેટા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી સુધી જવા માટેનો રસ્તો ઘણો જ ખરાબ છે. જેને કારણે વિદ્યાર્થીઓના પડી જવાનો બનાવ પણ બને છે. આ જગ્યાએ રસ્તો બને તે માટે ગામના એક વિદ્યાર્થીએ અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ‘વહેલા આવીને રસ્તો બનાવી આપો’. ‘પ્લીઝ,રોડ મેકિંગ સૂન.’ આ શબ્દો બોલતો માસૂમ બાળક સત્વરે શાળા અને આંગણવાડી સુધીનો રસ્તો બનાવવા તંત્રને અપીલ કરતો જણાય છે.

પરવેટા ગામની પ્રાથમિક શાળાની અંદર જ આંગણવાડી કેન્દ્ર પણ ચાલે છે. શાળા અને આંગણવાડી સુધી જવા માટેનો રસ્તો ઉબડખાબડ છે પાકો રસ્તો નથી. પાકો રસ્તો ન હોવાને કારણે ક્યારેક બાળકના પડી જવાનો બનાવ પણ બને છે. જેને લઈ અહીં રસ્તો બનાવવા માટેની માર્ચ લાંબા સમયથી ઉઠી રહી છે. જોકે તંત્ર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરાઇ નથી જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી છે. અહીંયા સત્વરે રસ્તો બને તે માટે એક બાળકનો તંત્રને અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખૂબ જ હૃદયસ્પર્શી રજૂઆત આ બાળક તંત્રને કરતો સંભળાય છે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આ વિદ્યાર્થી તંત્રને અપીલ કરે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં બાળક બોલતો સંભળાય છે, “નમસ્કાર મારું નામ છે. શિવરાજ બાલમંદિર, સ્કૂલનો રોડ ખરાબ છે. છોકરાઓ પડી જાય છે અને વહેલા આવીને રસ્તો બનાવી આપો. મારા ગામનું નામ પરવેટા છે. તાલુકો છે સંખેડા. જિલ્લો છે છોટાઉદેપુર. અંગ્રેજી ભાષામાં આ બાળક કહે છે કે, ‘રિસ્પેક્ટેડ સર માય નેમ ઇઝ શિવરાજ. માય વિલેજ નેમ ઇસ પરવેટા. તાલુકો સંખેડા. અવર સીસી સ્કૂલ રોડ વેરી બેડ ચિલ્ડ્રન ફોલ. પ્લીઝ રોડ મેકિંગ સૂન.’

સ્કૂલ-આંગણવાડીનો રસ્તો મંજૂર થઇ ગયો છે
સ્કૂલ અને આંગણવાડી એક જ સંકુલમાં છે. ત્યાં જવાનો રસ્તો મંજૂર થઇ ગયો છે. વહીવટી મંજૂરી બાકી છે. વાસ્મો યોજનાની કામગીરી વખતે આ રસ્તો તૂટ્યો હતો. નવીન આંગણવાડી પણ મંજૂર થઇ ગઇ છે. - નરપત સિંહ રાજપૂત, સરપંચ, પરવેટા જૂથ ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...