સંખેડાના રતનપુર ગામે બુધવારે બપોરે 9 માસના બાળકને ઓરીની રસી મૂકાવ્યા બાદ તેનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. બાળકને સંખેડા રેફરલમાં લવાયું હતું. બાદ અત્રેથી તેને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
દવાખાને લઈ જતા સમયે મોત નીપજ્યું
સંખેડાના રતનપુર ગામે રહેતા ગાયત્રીબેન શૈલેષભાઇ વસાવાના 9 મહિનાના બાળકને બુધવારે બપોરે ગામના આશાવર્કર બહેનના ઘેર રસી મૂકવા આરોગ્ય વિભાગની નર્સ આવી હતી. ઓરીની રસી મૂકાવ્યા બાદ બાળકને ઘરે લવાયો હતો. ઘરે બાળક જમ્યો, રમ્યો પણ હતો. અચાનક બપોરે 4:30 વાગ્યે એને શ્વાસની તકલીફ થતાં હાંડોદ દવાખાને લઈ જતા હતા પરંતુ રસ્તામાં જ મોત થયું હતું. સ્થાનિક સરપંચ મોતીભાઈને જાણ થતાં તેમણે તાત્કાલિક સંખેડા રેફરલમાં તેના મૃતદેહને લાવવા કાર્યવાહી કરી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
બાદ પોલીસને જાણ કરતાં તેણે અકસ્માતે મોતનો ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી. જોકે, બાળકના મૃતદેહ સાથે આવેલા પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે રસી મૂકાયા બાદ જ તેનું મૃત્યુ થયું છે.
કુલ 3 બાળકને ઓરીની રસી મુકાઇ, જેમાં 2ની તબિયત સારી છે
બાળકનું એસએસજી હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેમજ વિશેરા લેવાશે. આ ગામમાં કુલ ત્રણ બાળકોને ઓરીની રસી મુકાઈ હતી. જેમાં બીજા બે બાળકો પણ હતા. તેમની તબિયત સારી છે. જ્યારે આ બાળકને પહેલો ડોઝ અપાયો હતો. રતનપુર ગામે આશાવર્કર બેનના ઘરે ગુંડિચા પીએચસીના નર્સે રસી મૂકી હતી. - ડો.વૈશાલીબેન પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી
રસી મુકાવીને આવ્યા બાદ બપોરે 4.30 વાગે એકદમ જ આવું થયું
રસી મુકાવીને ઘરે આવ્યા બાદ તેને ખવડાવ્યો હતો. ઉંઘાડયો હતો. તે રમ્યો પણ હતો, પરંતુ પછી એકદમ જ બપોરે 4:30 વાગ્યે બાળકને શ્વાસની તકલીફ થયા બાદ આવું થઇ ગયું. આશાવર્કર બહેન સોનલબેનના ઘરે તેને ઓરીની રસી મુકાવી હતી. - ગાયત્રીબેન, મૃતક બાળકની માતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.