ટ્રેનનું ભાડું વધવાની શક્યતા:પ્રતાપનગર-અલીરાજપુર ટ્રેન 2 વર્ષથી બંધ રહ્યા બાદ આગામી 10 ઓગસ્ટથી ફરી શરૂ

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 માર્ચ 2020થી કોરોનાના કારણે બંધ કરાઇ હતી
  • ટ્રેનનો સમય સવારનો કરવાની રજૂઆત, સાંજનો સમય હોવાથી મુસાફરો લાભથી વંચિત

સવા બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ રહેલી પ્રતાપનગર-અલીરાજપુર ટ્રેન હવે તા.10 ઓગસ્ટથી ફરી શરૂ થશે. આ સાથે ટ્રેનનું ભાડું પણ હવે વધવાની શક્યતા છે. જોકે ટ્રેનનો સમય સવારનો કરવાની રજૂઆત રેલવે તંત્રે નજરઅંદાજ કરી છે. 21 માર્ચ 2020એ પ્રતાપનગર- અલીરાજપુર ટ્રેનનો છેલ્લો ફેરો હતો. બાદ કોરોનાના કારણે ટ્રેન બંધ કરાઈ હતી.

પ્રતાપનગરથી છોટાઉદેપુર સુધીની ટ્રેન પણ બંધ કરાઈ હતી. જોકે તબક્કાવાર તેના 3 ફેરા શરૂ કરાયા હતા. પણ અલીરાજપુર ટ્રેન બંધ હતી. હવે આ ટ્રેન શરૂ કરવાનું મુહૂર્ત રેલવે તંત્ર દ્વારા 10 ઓગસ્ટનું કાઢવામાં આવ્યું છે. પ્રતાપનગર-અલીરાજપુર ટ્રેન સેવાનો આરંભ 30 ઓક્ટોબર 2019ના રોજથી થયો હતો. ત્યારે અલીરાજપુરના સાસંદ ગુમાનસિંહે ટ્રેન સવારે ચાલે એ માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. પરંતુ હજુ તેવું થયું નથી. ટ્રેનનો સમય સાંજનો હોવાથી અલીરાજપુર અને તે વિસ્તારના મુસાફરો લાભથી વંચિત રહે છે.

​​​​​​​કોરોના પહેલાં જે ભાડું હતું એ પણ હવે વધી શકે છે. કારણ કે રેલવે દ્વારા આને સ્પેશિયલ ટ્રેન ગણાવાઇ છે. ટ્રેનના સમયને લઈને પણ અલીરાજપુરના લોકોમાં રોષ છે. રેલવે સૂત્રો મુજબ 11 ઓગસ્ટથી અલીરાજપુર- પ્રતાપનગર પણ શરૂ થશે. પ્રતાપનગર - અલીરાજપુર અનરિઝર્વ્ડ સ્પે. 10 ઓગસ્ટથી સવારે 10:35 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને બપોરે 14:05 વાગ્યે અલીરાજપુર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...