મેઘ મહેર:પાવીજેતપુર તાલુકામાં 2 મિમી વરસાદ વરસ્યો, બોડેલી તાલુકામાં 7 મિમી, નસવાડી તાલુકામાં 12 મિમી, કવાંટ તાલુકામાં 18 મિમી

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં જિ.ના બોડેલી, નસવાડી અને કવાંટ તાલુકામાં વરસાદ, 3 તાલુકા કોરાં

વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, નસવાડી અને કવાંટ ત્રણ તાલુકામાં સોમવારે વરસાદ વરસ્યો હતો. જોકે બાકીના ત્રણ તાલુકા કોરાધાકડ રહ્યા હતા. સોમવારે વહેલી સવારે જેતપુરપાવી તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો જે 2 મિમી જેટલો નોંધાયો હતો.છોટાઉદેપુર જિલ્લા ડીઝાસ્ટર શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યા સુધીનો વિતેલા 24 કલાકનો વરસાદ બોડેલી, નસવાડી અને કવાંટ તાલુકામાં વરસ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 7 મિમી વરસાદ, નસવાડી તાલુકામાં 12 મિમી અને કવાંટ તાલુકામાં 18 મિમી જેટલો વરસાદ વરસ્યો હતો. સોમવારે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના માત્ર જેતપુરપાવી તાલુકામાં 2 મિમી જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતું. જો કે સાંજના સમયે સંખેડા પંથકમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. ઉપરાંત ધોધમાર વરસાદ વરસી પડશે એવું વાતાવરણ પણ સર્જાયું હતું. પરંતુ માત્ર સામાન્ય હળવા છાંટા જ પડતાં લોકોની ભારે વરસાદની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ડભોઇ-તાલુકામાં મેઘાની રિએન્ટ્રી પોણો કલાકમાં 15 મિમી ખાબક્યો
ડભોઇ પંથકમાં લાંબા વિરામ બાદ સોમવારે વરસાદી માહોલ છવાયો હતો. બપોરના સમયે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે નગર સહિત તાલુકા પંથકમાં વરસાદી જમાવટ જોવા મળી હતી. તાલુકા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. તો ડભોઇ નગરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા હતા. પંથકમાં પોણો કલાક સુધી લગભગ 15 મિમી જેટલો વરસાદ ખાબક્યો હતો. ડભોઇ નગરમાં ભાદરવો ભરપૂર જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ ડભોઇ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બપોર બાદ છવાયો હતો.

અચાનક વાદળ છાયું વાતાવરણ બન્યા બાદ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળો ડભોઇ શહેર તાલુકામાં વરસી પડ્યા હતા. પોણો કલાક સુધી 15 મિમી જેટલો વરસાદ થતાં ડભોઇ તાલુકાના રોડ રસ્તા ઉપર જાણે પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા પંથકના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લેતાં તાલુકા પંથકમાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. વરસાદને લીધે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સાધલીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ
શિનોરના સાધલી ગામે સોમવારે સતત ત્રીજા દિવસે પણ પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું એમ જાણવા મળેલ છે. વરસાદનું આગમન થતાં ગરમીથી લોકોને રાહત થઇ હતી. સતત વરસાદથી સાધલી બજારમાં પાણી વહેતું થયું હતું. ક્યાંક ઝાડ પડવાની ઘટનાથી રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...