ભાસ્કર એક્સક્લુઝિવ:છોટાઉદેપુર જિલ્લાના 13 સિંચાઈ તળાવમાં માત્ર 20.54 % જ પાણી!

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા જીઇબી પાછળનું ગામતળનું તળાવ. - Divya Bhaskar
સંખેડા જીઇબી પાછળનું ગામતળનું તળાવ.
  • જિલ્લામાં આવેલા ગામતળના પણ અનેક તળાવો ખાલી થયા
  • 7 તળાવોમાં તો 10 ટકા કરતાં પણ ઓછું પાણી છે: કુંદનપુર તળાવમાં પાણી જ નથી

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા તમામ તેર સિંચાઇ તળાવમાં સરેરાશ 20.54 ટકા જ પાણી બચ્યું છે. સૌથી વધુ પાણી છોટાઉદેપુર તાલુકાના ઝેર તળાવમાં 41.31 ટકા પાણી છે. 7 તળાવોમાં તો 10 ટકા કરતા પણ ઓછુ પાણી છે. કુંદનપુર તળાવમાં પાણી જ ખલાસ થઇ ગયું છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વધતા રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે. હજી તો ઉનાળાની આકરી ગરમીવાળો મે મહિનો ચાલુ છે. એવા સમયે જિલ્લાના તેર જેટલા સિંચાઇના તળાવો પણ ખાલી થવાની કગાર ઉપર આવી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકાઓમાં તેર જેટલા સિંચાઇના તળાવો છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પાંચ,કવાંટ તાલુકામાં એક, જેતપુરપાવી તાલુકામાં પાંચ અને નસવાડી તાલુકામાં બે સિંચાઇ તળાવો છે.

ચાલુ વરસે ચોમાસા દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં એકંદરે 103.79 ટકા જેવો સારો વરસાદ પડવાના કારણે તમામ તળાવોમાં પાણી સારા પ્રમાણમાં ભરાયું હતું પણ હવે આ તળાવો ખાલી થવા લાગ્યા છે. સિંચાઇ તળાવો ખાલી થવા લાગ્યા હોઇ હાલમાં આ તેર તળાવોમાં 20.54 ટકા જ પાણી બચ્યું છે. આ જથ્થામાં ઝેર તળાવમાં 41.31 ટકા અને જોગપુરા તળાવમાં 39.27 ટકા અને જામલી તળાવમાં 30.11 ટકા હજીય પાણીનો જથ્થો હોવાથી ટકાવારી ઉંચી ગયેલી છે.બાકી મોટાભાગના તળાવો ખાલી થવા લાગ્યા છે.

જિલ્લાના વિવિધ તળાવોમાં 28 એપ્રિલ સુધીની પાણીની સ્થિતિ

તળાવકેપેસિટિહાલનું સ્ટોરેજસ્ટોરેજ ટકાવારી
ઝેર119.8949.532541.31
જામલી75.9822.8830.11
હરવાંટ59.453.9416.63
નાલેજ95.627.63528.91
સિંગલા21.651.7147.92
અમલવાંટ173.4534.03519.62
કુંદનપુર19.4600
જોગપુરા78.8630.9739.27
ભાભર401.563.9
રાયપુર9100
ખાંડી59.1800
લિંડાટેકરા40.94.7911.71
ધનિયાઉમરવા72.65.387.41

નર્મદા કેનાલથી નજીકના તળાવો ભરવા માગ
કેટલાક સિંચાઈ તળાવો નર્મદા કેનાલની નજીક આવેલા છે. જેમકે કુંદનપુર ગામનુ તળાવ જે એ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઇ માટેનું પાણી પૂરું પાડે છે. આ તળાવ હાલમાં ખાલીખમ થયું છે. આ તળાવથી નર્મદાની મુખ્ય કેનાલ નજીક આવેલી છે.જેથી નર્મદાની મુખ્ય કેનાલમાંથી જો આ સિંચાઈ તળાવમાં પાણી ભરાય તો ખેડૂતો માટે આ પાણી વધુ ઉપયોગી અને ફાયદાકારક બની શકે.આ રીતે અન્ય તળાવો પણ અન્ય કેનાલોમાંથી કે અન્ય જળાશયોમાંથી પણ ભરવામાં આવે તો એનાથી ખેડૂતોની ખેતીની સિંચાઇનો સારો એવો ફાયદો ઉનાળાના આરંભ પછી પણ લાંબા સમય સુધી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...