હુકમ:દોઢ વર્ષ અગાઉ સંખેડાની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 10 વર્ષની કેદ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર ડિસ્ટ્રિકટ કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સજાનો હુકમ કર્યો

સંખેડા તાલુકાના એક ગામે બનેલા આ બનાવ સંદર્ભે ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તા.17મી મે 2020 ના રાત્રે દશેક વાગ્યાના સુમારે સગીર દીકરી અને તેના સાસુ-સસરા ઘર આંગણે ખાટલો ઢાળીને સૂતા હતા. રાત્રીના બારેક વાગ્યે તેની સાસુ અચાનક જ બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી ઘરમાંથી સગીરાના માતા-પિતાએ બહાર આવીને પૂછપરછ કરતાં સાસુએ જણાવ્યું હતું કે સગીરાને કોઇક છોકરો વાડામાં જવાના રસ્તા તરફ લઇ ગયો છે.

જેથી સગીરાના માતા-પિતાએ બાજુએ દોડીને જતા તેમની દીકરી ગભરાયેલી જોવા મળી હતી. તેને પૂછતાં તેણે જણાવ્યું હતું કે વિમુલ જગદીશ બારીયા તે સૂતી હતી ત્યાં આવીને હાથથી મોઢુ દબાવી ઉંચકીને લઇ ગયો હતો અને તેની સાથે બદકામ કર્યુ છે. બૂમાબૂમ કરતાં તે નાસી છુટ્યો હતો. સગીરાના માતા-પિતા વિમુલ ઉર્ફ વિમલ જેના ઘરે રહે છે એ ભયલાલભાઇ મોતીભાઇ બારીયાના ઘરે ગયા હતા ત્યારે એ ઘરે હાજર નહોતો.

બીજા દિવસે સગીરાના માતા-પિતા ખેતરે હતા ત્યારે સગીરાએ તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે વિમુલ ઘરે આવ્યો હતો અને પોલીસ ફરીયાદ કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. વિમુલ ઉર્ફ વિમલની ગામમાં તપાસ કરતા તે મળ્યો નહોતો. જેથી સગીરાની માતાએ વિમલ જગદીશ બારીયા રહે.આસગોલ તા.ડભોઇ જિ.વડોદરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આ કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.બી.પુરાનીની દલીલોને ગ્રાહ્ય રાખીને જજ બી.ડી.પટેલે આરોપીને 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...