નોટિસ:હાંડોદ રોડ પરની કાંસમાં સોસાયટીનું ગંદું પાણી બંધ કરવા ગ્રામ પંચાયતની નોટિસ

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 દિવસમાં સોસાયટીના ગંદા પાણીનો નિકાલ કાંસમાં બંધ કરવા જણાવ્યું

સંખેડા ગ્રામ પંચાયતે સુંદરવન સોસાયટીને નોટિસ આપી છે. 1 દિવસમાં સોસાયટીના ગંદા પાણીનો નિકાલ હાંડોદ રોડ પરની કાંસમાં બંધ કરવા જણાવ્યું હતું. નહીંતર પંચાયત દ્વારા કાયદેસર કાર્યવાહી કરાશે.સંખેડા હાંડોદ રોડ ઉપર આવેલી કાંસમાં લાંબા સમયથી પાણી ભરાયેલું છે. જેના કારણે દુર્ગંધ ફેલાય છે. અગાઉ ગત મહિને સંખેડા તાલુકા સેવાસદનમાં મળેલી તાલુકા સંકલનની મિટિંગમાં આ કાંસ સાફ કરવા માટે કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું. આ સંકલન મીટિંગને એક મહિનો થવા છંતા કાંસની સફાઈ થયેલી નથી.

તાજેતરમાં સંખેડાના તલાટી હરેશભાઇ આહીર દ્વારા કાંસમાં પાણી ક્યાંથી આવે છે.એ અંગે જાત તપાસ પણ કરાઈ હતી. અહીં ગંદુ પાણી ક્યાંથી આવે છે એની તપાસ દરમિયાન આ ગંદું પાણી સુંદરવન સોસાયટીમાંથી આવતું હોવાની વિગતો જણાઈ હતી. જેને કારણે સંખેડા ગ્રામ પંચાયત દ્વારા સુંદરવન સોસાયટીને નોટિસ અપાઈ છે. આ નોટિસમાં જણાવાયા મુજબ હાંડોદ રોડ પર જે કાંસમાં પાણી ભરાયેલ છે તેની તપાસ કરતાં સુંદરવન સોસાયટીના મકાનોની ડ્રેનેજના પાણીનો આમાં નિકાલ થાય છે.

આ પાણી કાંસમાં ભરાઇ રહેવાના કારણે મચ્છરો દુર્ગન્ધ તથા પાણી જન્ય રોગો થતાં જનજીવન પ્રભાવી કરે તેમ હોઇ તાત્કાલીક દિન-1માં પાણી નિકાલ બંધ કરી દેવો. જો આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.

લાંબા સમયથી ગંદું પાણી અહીંયા આવે છે
હાંડોદ રોડ પરની કાંસમાં અગાઉ તો ચોમાસાનું પાણી જ આવતું હતું. અને ચોમાસા બાદ તો કાંસ કોરી કટ્ટ બની જતી હતી. પણ અહીંયા ઘણા લાંબા સમયથી ગંદું પાણી બારેમાસ વહેતુ જોવા મળે છે.

કાંસ ચોમાસા દરમિયાન કોતરમાં આવતા પાણીના નિકાલ કરવા માટેની છે
અહીંયા આવેલી કાંસ એ નાગરવાડા અને આગળથી ટોકરી તરીકે ઓળખાતા કોતરનું પાણી ચોમાસામાં આવે છે. તેનો નિકાલ આ કાંસમાં થાય છે. કાંસમાંથી પાણી આગળ કોતરોમાં વહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...