શૈક્ષણિક સત્ર શરૂ:છોટાઉદેપુર જિલ્લામાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 1251 પ્રાથમિક અને 183 સરકારી-બિનસરકારી, નોન ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠશે

સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જિલ્લાની 1251 સરકારી પ્રાથમિક શાળાઓ અને 183 જેટલી સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થશે. સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લામાં સોમવારથી વેજેશન પૂરું થતા શાળાઓ શરૂ થશે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં ઉનાળુ વેકેશન હતું. ઉનાળુ વેકેશનના કારણે શાળામાં રજા હતી. પણ તા.13 જૂનના રોજથી શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓના કલ્લોલથી શાળાઓ ગુંજી ઉઠશે. શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. શાળાઓ શરૂ થવાની હોઈ ચોપડા-નોટબુક પણ ખરીદવા વિદ્યાર્થીઓ-વાલીઓ ઉમટ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, નોન ગ્રાન્ટેડ શાળાઓ વિગેરે 183 શાળાઓ છે. ઉપરાંત 1251 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે. એ તમામમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. છેલ્લા દોઢ મહિનાથી બંધ પડેલી શાળાઓમાં પણ સફાઈકામ શરૂ થયું છે. પહેલા દિવસે શાળામાં આવનારા વિદ્યાર્થીઓને આવકારવા શિક્ષકોમાં પણ થનગનાટ છે. વેકેશનમાં પોતાના વતન ગયેલા શિક્ષકો પણ પરત પોતાના નોકરી સ્થળે કે નોકરી સ્થાળથી નજીક જ્યાં તેઓ રહેતા હોય ત્યાં આવી ગયા છે.

શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. લગભગ એક મહિનાથી વધુ સમયના વેકેશન બાદ સોમવારથી છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણનો પ્રારંભ થઈ જશે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જેથી શૈક્ષણિક સંકુલો બાળકોના કોલાહલ સાથેના કલરવથી ગુંજી ઉઠશે. બોડેલીની શિરોલાવાલા હાઈસ્કુલના આચાર્ય જે.આર. શાહના જણાવ્યા મુજબ શાળાઓનું 35 દિવસનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી ઉઠશે. ત્યારે શાળામા શૈક્ષણિક પ્રવૃત્તિ પહેલાં જ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે તેમના સહ અધ્યાયીઓ સાથે વેકેશન દરમિયાન કરેલી પ્રવૃત્તિઓ વાગોળશે. આમ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ વાલીઓ દ્વારા બાળકોના પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી વસ્તુઓ, સ્કુલ ડ્રેસ, સ્કુલ બેગ, બુટ સહિત શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...