સંખેડા તાલુકાના ચંદાનગર ગામની પ્રાથમિક શાળાની શનિવારે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. ચંદાનગરના રહીશો દ્વારા થોડા દિવસ અગાઉ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ શાળાની શિક્ષિકા મીનાબેન ત્રિપાઠીની બદલીની માંગ કરાઇ હતી. જે ન સંતોષાતાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.સંખેડા તાલુકાના ચંદાનગર ગામે પ્રાથમિક શાળા આવેલી છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ પ્રાથમિક શાળામાં તા.14 જૂનથી મીનાબેન ત્રિપાઠી શિક્ષિકા તરીકે આવ્યા છે.
તેમની વર્તણૂકોથી કંટાળીને ગ્રામજનો દ્વારા તા.2 ઓગસ્ટના રોજ ચંદાનગર ગામના લોકો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને શાળાની શિક્ષિકા મીનાબેન ત્રિપાઠીની બદલીની માંગ કરી હતી.
ગ્રામજનો દ્વારા રજુઆત કરાયા બાદ પણ મીનાબેન ત્રિપાઠીની બદલી ન કરાતાં ચંદાનગરના ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઇ હતી. જોકે ચંદાનગર પ્રાથમિક શાળાની તપાસ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાનભાઈ સોની, ટી.પી.ઇ.ઓ. જીજ્ઞેશભાઈ વગેરે પહોંચ્યા હતા અને શાળામાં તપાસ કરી હતી.પંચકયાસ પણ કરાયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર શાળાની શિક્ષિકા મીનાબેન ત્રિપાઠી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
શાળાની મુલાકાત લેવામાં આવી છે, આગળની કાર્યવાહી કરાશે
ચંદાનગર પ્રાથમિક શાળાની મુલાકાત લેવાઇ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ આવ્યા હતા. પંચકયાસ કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે. - જીજ્ઞેશભાઈ વણકર, ટી.પી.ઇ.ઓ., સંખેડા
બાળકો અને વાલીઓ સાથે ગેરવર્તન કરે છે, તેમની બદલી કરો
મીનાબેન ત્રિપાઠી અમારી શાળામાં નવા આવ્યા છે. 14 જૂનના રોજ તેમણે બાળકો અને વાલીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. તે બાળકોને ધમકાવે છે. સ્કૂલમાં વાલીઓ બાળકોને મૂકવા સ્કૂલમાં આવે છે તો વાલીઓને કહે છે સ્કૂલમાં બાળકોને મૂકવા નહિ આવવાના. અમારે તેમની ગેરવર્તણૂકને કારણે બદલીનો હુકમ જોઈએ છીએ. જે સંદર્ભે જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. - વસાવા કાલિદાસભાઇ, એસ.એમ.સી.સભ્ય, ચંદાનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.