દુષ્કર્મ:અનૈતિક સંબંધો થકી ગર્ભ રહી જતાં યુવતીની હત્યા કરનાર 2ને આજીવન કેદ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર તા.ની યુવતીને લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું
  • સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી

છોટાઉદેપુર તાલુકાના એક ગામની યુવતી નિવાસી શાળામાં રહીને ભણતી હતી. તા.15 જુલાઈ 2016ના રોજ યુવતીને બાઇક લઈને આવેલા બે છોકરાઓ તેમની બહેન છે એમ જણાવી મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયા હતા. જે બાબતે તપાસ કરતાં યુવતીને માણકા ગામનો અજય ડુટિયાભાઈ રાઠવા નામ લખાવી લઈ ગયો હોવાની જાણ થઇ હતી. બાદ યુવતીના પિતાએ માણકામાં તપાસ કરી હતી પણ અજયને ત્યાં તેમની છોકરી મળી આવી નહોતી. જોકે તે બાદ યુવતીની તપાસ કરતાં અજય રાઠવા મળી આવ્યો હતો.

તેની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે નિવાસી શાળામાંથી તે તથા વિક્રમ હિંમતભાઈ રાઠવા રહે.માણકા ઉપાડી લઈ આવ્યા હતા. પણ હાલ યુવતી ક્યાં છે તેની ખબર નથી. જેથી યુવતીના પિતાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી ગુમ થઇ હોવા અંગેની જાણવાજોગ ફરિયાદ કરી હતી. જોકે તે બાદ તેમને જાણવા મળ્યું હતું કે તેમની દીકરીને અજય તથા વિક્રમ રાઠવા માણકા લઇ ગયા હતા. ત્યાં ગળંુ દબાવીને મારી નાખેલ પછી તેની લાશને માણકાની સીમમાં ડાકણ ડુંગરી પાસે ખાડો ખોદી દાટી આવ્યા હતા.

વિક્રમ રાઠવાએ યુવતી સાથે અનૈતિક સંબંધ બાંધેલા તેના થકી સાત માસનો ગર્ભ થઈ ગયો હતો. તેથી હોસ્ટેલમાંથી તે અને અજય તેને લઈ માણકાની સીમમાં આવેલ ખેતરના અવાવરુ બંધ મકાનમાં લઈ જઇ સૌપ્રથમ તેને દવા આપી ગર્ભનો નિકાલ કરવાની કોશિશ કરેલી. પરંતુ ગર્ભ પડી શકેલો નહીં તેથી તેનું ગળું દબાવી મારી નાખી હતી. તેના ગર્ભમાં રહેલા નહિ જન્મેલા બાળક પ્રત્યે પણ દયા રાખી નહોતી. બાદમાં યુવતીની લાશને જંગલમાં ખાડો કરીને દાટી દઈ તેના ઉપર ઝાડી ઝાંખરાથી જગ્યા ઢાંકી દીધી હતી.

હત્યાના આ ગુનાના કામનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને છોટાઉદેપુર સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવે આરોપી વિક્રમ રાઠવા અને અજય રાઠવાને આજીવન કેદની સખત સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...