સંખેડા તાલુકાના ફતેપુર ગામની પાણીની ટાંકીમાંથી પાણી લીક થતા નબળી કામગીરીની ચર્ચા ઉભી થઇ છે. ટાંકીમાંથી પાણીની પિચકારી વાગવા સાથે ચારેય બાજુથી પાણીનું લીકેજ થયું છે. ટેસ્ટિંગ વખતે જ આ જોવા મળતા લોકોમાં પાણીની ટાંકીની કામગીરી નબળી કક્ષાની થઈ હોવાની ચર્ચા. સંખેડા તાલુકાના ફતેપુર ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની નવીન ટાંકી બનાવવામાં આવી છે. આ પાણીની ટાંકીમાં ટેસ્ટીંગ માટે પાણી ભરવામાં આવતા જ ટાંકીમાંથી ચારે બાજુથી પાણી લીક થવા લાગ્યું હતું.
એક જગ્યાએથી તો પાણીની રીતસર પિચકારી જ લાગતી જોવા મળી હતી. જેને કારણે પાણીની ટાંકી બનાવવાની આ કામગીરી નબળી અને હલકી ગુણવત્તાવાળી થઈ હોવાની ચર્ચા ગ્રામજનોમાં ઊભી થઈ હતી. ટાંકીની ચારે બાજુથી પાણી લીક થતું હોવા ઉપરાંત જે પાઇપલાઇન દ્વારા પાણી ટાંકીમાં ચડાવવામાં આવતું હતું. પાણીની એ પાઇપ લાઈનમાંથી પણ પાણી લીક થતું જોવા મળ્યું હતું.
ટાંકીમાંથી પાણી લીક થાય છે
અમારા ફતેપુર ગામમાં બનેલી નવીન પાણીની ટાંકીમાંથી ચારેય બાજુથી પાણી લીક થાય છે. એક જગ્યાએથી તો રીતસરની પિચકારી જ લાગતી દેખાય છે. કામગીરીની ગુણવત્તા બાબતે તપાસ થવી જોઈએ. - વિનોદ સક્સેના, પૂર્વ અધ્યક્ષ, સામાજિક ન્યાય સમિતિ, સંખેડા તા.પં.
મોરડની પાણીની ટાંકીમાંથી પણ લીકેજ
સંખેડા તાલુકાના મોરડ ગામે નવીન બનેલી પાણીની ટાંકીમાંથી પણ લીકેજ થાય છે. આ બાબતે પાણીની ટાંકી બનાવવા કોન્ટ્રાકટરને પણ જાણ કરી છે. - જીતુભાઇ માછી, ઉપપ્રમુખ, સંખેડા તા.પં.
હજી પહેલુ કોટિન થયું છે, બીજા બે કોટિન બાકી છે, ટેસ્ટિંગ માટે પાણી છોડાયું
એક કોટિન થયા બાદ ટેસ્ટિંગ માટે પાણી છોડાયું છે. જેથી ટેસ્ટિંગ કરાય. હજી ટેસ્ટિંગ ચાલે છે. આ પહેલું કોટિન પછી ટેસ્ટ કર્યો, હજી બીજા બે કોટિન ચઢ્યા બાદ પણ ટેસ્ટિંગ કરાશે. પછી ગ્રામ પંચાયતને સુપ્રત કરીશું. - પ્રણવભાઈ પટેલ, એન્જિનીયર, કસ્ટ્રક્શન કંપની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.