વિદ્યાર્થીઓને મુશ્કેલી:STના અભાવે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં સ્કૂલ જવા મજબૂર થયાં

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચમરવાડા-કઠોલી-સંખેડા, દેરોલી-ભાટપુર-માલપુર-સંખેડા અને રામપુરા-રતનપુર-અરીઠા-ગુંડીચા-સંખેડા,વડેલીથી સંખેડા રૂટ શરૂ કરવા રજૂુઆત
  • ખાનગી વાહનોમાં​​​​​​​ દરમહિને 500થી 600 રૂપિયા ભાડું ખર્ચવા પડે છે​​​​​​​

સંખેડામાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને એસ.ટી.બસના અભાવે ખાનગી વાહનોમાં આવવું પડે છે. શાળા સમયને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસના રૂટ શરૂ કરવા માટે શાળાઓ અને રાજકિય આગેવાનો દ્વારા બોડેલી અને છોટાઉદેપુર ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરાઇ હતી. ચમરવાડા-કઠોલી-સંખેડા, દેરોલી-ભાટપુર-માલપુર-સંખેડા અને રામપુરા-રતનપુર-અરીઠા-ગુંડીચા-સંખેડા તેમજ વડેલીથી સંખેડા સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સંખેડા અભ્યાસ અર્થે આવે છે.સંખેડા ખાતે ડી.બી. પારેખ હાઇસ્કુલ અને ગર્લ્સ હાઇસ્કુલ આવેલી છે. આ બન્ને શાળાઓમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી સંખેડા ભણવા માટે આવે છે.

પણ એસ.ટી.વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરી એસ.ટી. બસના રૂટ શરૂ કરવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓને ન છુટકે ખાનગી વાહનોમાં દરમહિને 500થી 600 રૂપિયા ભાડુ ખર્ચવું પડે છે. જો એસ.ટી. બસ ચાલુ હોય તો વિદ્યાર્થીનીઓને મફત બસ સુવિધા મળે અને વિદ્યાર્થીઓને સામાન્ય ભાડુ ખર્ચીને પાસની સુવિધા મળે.

સંખેડા ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી.બસના રૂટ શાળા સમય શરૂ થતા પહેલા અને શાળા છુટ્યા પછીના શરૂ કરવા માટે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ દેસાઇ, માલપુર ગ્રામ પંચાયત સરપંચ લીલાબેન બારીયા, તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રાજેન્દ્રભાઇ બારીયા, સંખેડા ગર્લ્સ હાઇસ્કુલ આચાર્ય ગીતાબેન એમ.પટેલ દ્વારા બોડેલી અને છોટાઉદેપુર ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે.

શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
અમારા વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવા-આવવા માટેના સમયે એક પણ એસટીબસની સુવિધા નથી. એટલે ખાનગી વાહનોમાં બાળકોને સંખેડા સ્કૂલે મોકલવા પડે છે. છોકરીને બસમાં મફત પાસ મળે પણ બસ જ ન આવે તો પાસને શું કરવાનો? વિદ્યાર્થીઓ માટે શાળાના સમયને ધ્યાને રાખી એસટીબસ શરૂ થાય એ જરૂરી છે. - અશ્વિનભાઈ બારિયા, સંધરા, વાલી

અન્ય સમાચારો પણ છે...