સંખેડા તાલુકાના આનંદપુરા ગામે નવી બનેલ હાઈ સ્કૂલના મકાનનું ઉદ્ઘાટન કરાયું મકાન માટે 1.10 કરોડ રૂપિયાનું દાન આપનાર મહેન્દ્રભાઈ હરજીભાઈ પટેલના હસ્તે નવીન મકાનનું ઉદ્ઘાટન કરાયું હતું. સંખેડા તાલુકાના આનંદપુરા ગામની શારદા મંદિર હાઇસ્કુલ આ વિસ્તારને જાણીતી હાઈસ્કૂલ છે. આ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ અર્થે જ આવવાનું હોય છે. એમની તમામ પ્રકારની ફી, યુનિફોર્મ, નોટબુક, દફતર વગેરે ગામના દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવતા હોય છે.
આ શાળાનું મકાન અત્યંત જૂનું અને જર્જરીત હોઇ તેને નવેસરથી બનાવવા માટે ગામના જ મહેન્દ્રભાઈ હરજીભાઈ પટેલ દ્વારા ઉદાહરણ સાથે સખાવત આપવામાં આવી હતી. સ્વ. હરજીભાઈ નારણભાઇ પટેલ તથા સ્વ. રેવાબેન હરજીભાઈ પટેલ અને સ્વ. કાંતિભાઈ હરજીભાઈ પટેલના સ્મરણાર્થે શાળામાં સભાખંડનું પણ નિર્માણ કરાયું હતું.
શાળા અને આ સભાખંડ માટે એક કરોડ રૂપિયાની સખાવત મહેન્દ્રભાઈ હરજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત શાળા અને લાઈટ બિલમાં રાહત રહે તે હેતુસર દસ લાખ રૂપિયા સોલાર માટે પણ દાન આપવાની જાહેરાત કરી હતી. શાળાના સભાખંડના આજે લોકાર્પણ પૂર્વે શાળાના મેદાનમાં યજ્ઞ તેમજ અન્ય ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય રવિ મહંત અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.