સંખેડા તાલુકાના છેવાડે આવેલ માલુ ગામની સીમમાં ગત રાત્રે ખેતરમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. સ્થાનિકોએ સંખેડા પોલીસને જાણ કરતાં પીએસઆઈ એ.આર. ડામોર અને પોલીસ કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં મહિલાની લાશ જોવા મળી હતી. તેના શરીરના ઉપરના ભાગે કોઈ કપડા નહોતા. મૃતક મહિલાના પુત્ર પરેશ વિષ્ણુભાઈ નાયકે નોંધાવેલી ફરિયાદ મુજબ સવારે સાડા છ વાગ્યાના સુમારે તેના પિતાએ તેને ફોન કરીને જણાવેલ કે તેની માતા નીરૂબેનનું મોત થયું છે.
લાકડાથી આડેધડ માર મારતાં મોત થઈ ગયું
તેમણે જણાવેલ કે, "તારી મમ્મી રાત્રીના અગિયાર વાગ્યા સુધી ઘરે નહિ આવતાં હું ખેતર બાજુ તપાસ કરવા ગયેલો તો ગોપાલભાઈ બારીયાના ખેતરમા લોખંડના પલંગ ઉપર તારી મમ્મી અને પ્રવિણ ઉર્ફે ટીનો નાયકને કઢંગી હાલતમાં જોઈ જતાં મારાથી સહન નહિ થતાં મેં લાકડું લઈ મારવા દોડતાં પ્રવિણ ઉર્ફે ટીનો ત્યાંથી નાસી છુટેલો અને તારી મમ્મીને મેં લાકડાથી આડેધડ માર મારતાં તે મરી ગઈ હતી. તેને ત્યાંથી મારા ખભા ઉપર ઉંચકી નજીકમાં વિઠ્ઠલભાઈ બારીયાના ખેતરના શેઢે આંબાના ઝાડ પાસે નાખી આવ્યો હતો.
પત્ની માલુ રહેતી, પતિ સુરત હીરા ઘસતો હતો
મૃતક પત્ની નિરુબેન માલુ ગામે રહેતી હતી. તેનો પતિ વિષ્ણુ નાયક સુરત શહેરમાં હીરા ઘસવાનું કામ કરતો હોવાથી સુરત રહેતો હતો અને એક –બે મહિને માલુ ગામે આવતો હતો.
પત્નીની હત્યા કરી લાશ 700 મીટર દૂર ઉંચકીને પતિ લઈ ગયો
પત્ની નિરુને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયેલા પતિ વિષ્ણુએ પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશને ઉંચકીને 3 ખેતર દૂર આશરે 700 મીટર સુધી ઉંચકીને લઈ જઈને આંબાના ઝાડ નીચે મૂકી દીધી હતી.
પત્નીના પ્રેમ પ્રકરણ બાબતે કોઈએ જાણ કરતાં પતિ આવ્યો હોવાની ચર્ચા
સુરત શહેરમાં હીરા ઘસવાનું કામ કરતા વિષ્ણુની પત્ની નિરુને ગામમાં કોઈ સાથે પ્રેમ પ્રકરણ હોવાની જાણ કોઈએ કરી હતી. જેથી કોઈને કહ્યા વિના વિષ્ણુ માલુ આવ્યો હતો. અને પત્નીને કઢંગી હાલતમાં તેના પ્રેમી સાથે જોઈ લીધી હતી. આ જોઈને પતિ વિષ્ણુએ તેની પત્નીને માથામાં, આંખે, છાતી ઉપર તેમજ ગુપ્ત ભાગે લાકડીના ફટકા મારીને પત્નીની હત્યા કરી નાખી હતી.
આરોપીને રાઉન્ડ અપ કરી ક્વોરન્ટાઇન કરાયો
પત્નીની હત્યા કરનાર આરોપી પતિ વિષ્ણુ નાયકને રાઉન્ડ અપ કરાયો છે. તેને ક્વોરન્ટાઇન કરાયો છે. કોરોના ટેસ્ટ બાદ તેની અટક કરવામાં આવશે. > એ.આર.ડામોર, પી.એસ.આઈ., સંખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.