સંખેડા તાલુકાના માલપુર, ઝાંપા, વડગામ ગામડી, માંજરોલ અને ખૂનવાડ ગામે અનેક મકાનના પતરા ઉડ્યા હતા. સૌથી વધુ નુકસાન માલપુર ગામે થયાની શક્યતા છે. રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદના કારણે આ નુકસાન થયું છે. ધારાસભ્ય, તા.પં. પ્રમુખ અને ટીડીઓએ માલપુર ગામની મુલાકાત લીધી.
સંખેડા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકામાં ગત રાત્રે સવા ઇંચ વરસાદ પડ્યો હતો. રાત્રે 11:30થી 12:30 વચ્ચે એક કલાકમાં જ આ વરસાદ પડ્યો હતો. ઉપરાંત રાત્રે પવન પણ વેગથી ફૂંકાયો હતો. જેના કારણે તાલુકાના માલપુર, ઝાંપા, વડગામ ગામડી, માંજરોલ અને ખૂનવાડ ગામે નુકસાન થયું હતું. ઝાંપાના સ્થાનિક આગેવાન ભરતભાઇ તડવીના જણાવ્યાનુસાર રાત્રે પવન ફૂંકાતા આશરે 15થી 20 ઘરના પતરા ઉડી ગયા હતા. એક મંદિર બનાવવાની કામગીરી ચાલતી હતી તેની દીવાલ પણ તૂટી હતી. એક ઝાડની મોટી ડાળી ઘર ઉપર પડી હતી.
માલપુર ગામના સ્થાનિક આગેવાન રાજેન્દ્રભાઇ બારિયા જણાવ્યા મુજબ ગામમાં રાત્રે ફૂંકાયેલા પવનના લીધે 21 જેટલા ઘરની છત ઉડી ગઇ હતી. ક્યાંક દીવાલ પણ પડી હતી. ખૂબ જ નુકસાન થયું છે. જ્યારે માંજરોલ પંચાયતના આગેવાન કમલેશભાઇ તડવીના જણાવ્યા મુજબ તેમની પંચાયતના વિસ્તારમાં 20 જેટલા ઘરની છતના પતરા ઉડી ગયા હતા. ગામડી સરપંચ નિરવભાઈ તડવીના જણાવ્યા મુજબ તેમની પંચાયત વિસ્તારમાં પાંચ-છ ઘરના પતરા ઉડ્યા છે. ઝાડ પણ પડ્યા છે.
ખૂનવાડ સરપંચ ઉમેશભાઈ પટેલના જણાવ્યામુજબ એક ઘર ઉપર લીમડો પડ્યો. બીજા એક ઘરના અડારાને નુકસાન થયું છે. સંખેડા તાલુકાના માલપુર ગામે વધારે નુકસાન જણાતા સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન રાજ્યગુરુએ માલપુર ગામની મુલાકાત લીધી હતી. આ અંગે સંખેડા તા.પં.પ્રમુખ સંજયભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ગામમાં રાત્રે આવેલા પવનના કારણે થયેલા નુકસાન બાબતે સર્વે કરવા માટે પંચાયતના અધિકારીઓને જાણ કરી છે. જેમને નુકસાન હશે એમને સરકારી ધારાધોરણ મુજબ સહાય ચૂકવાશે.
સંખેડામાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો
સંખેડા તાલુકામાં ગત રાત્રે આશરે 11:30 કલાકે ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસવાનો શરૂ થયો હતો. વરસાદ ધોધમાર પડતા રસ્તા પાણી પાણી થયા હતા. સંખેડા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સંખેડા તાલુકામાં 31 મિ.મી. વરસાદ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.