સંખેડા ગ્રામ પંચાયતની ગ્રામસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ પ્રશ્નો સ્થાનિકો દ્વારા રજુ કરાયા હતા. સંખેડા ગ્રામ પંચાયતની ગ્રામસભા સરપંચ નીતિનભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગ્રામસભા શરૂ થતા જ લોકોએ વિવિધ પ્રશ્નોનો મારો શરૂ કરી દીધો હતો. જેમાં તાજેતરમાં પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી.
તેમાં જેમના શેડ હજી દૂર કરવાના બાકી છે. એ દૂર કરવા કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું. ગામમાં પંચાયતની જગ્યા આંતરીને બેઠેલા કેટલાક આ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવા બાબતેનો પ્રશ્ન રજૂ થતા પંચાયત દ્વારા આવી કામગીરી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયું હતું. કેટલાક પંચાયતની જગ્યામાં મુકેલા કેબીનોનું વેચાણ કરે છે. ભાડે આપી દે છે.
આ પ્રશ્ન રજૂ થતા તે અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ તલાટીએ જણાવ્યું હતું. સંખેડા ગ્રામ પંચાયતનું જકાતનાકુ હતું. જકાત બંધ થયા બાદ આ જકાતનાકુ બંધ હાલતમાં હતું. પરંતુ આ જકાતનાકુ પણ વેચાણ થઈ ગયું હતું. એ કેવી રીતે વેચાણ થયું એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. સંખેડા કસ્બા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી હતી.
આ સસ્તા અનાજની દુકાન પણ ભાગોળ વિસ્તારમાં જતી રહે છે. જેને લઇને કસ્બા વિસ્તારના રેશનકાર્ડ ધારકોને અનાજ લેવા માટે ભાગોળ સુધી લાંબા થવાનો વારો આવ્યો છે. આ પણ કઈ રીતે બન્યું તે અંગેનો પ્રશ્ન પણ ગ્રામસભામાં પૂછાયો હતો. સંખેડા બસ સ્ટેન્ડ નવું બન્યું પરંતુ ન તો નવા બસના રૂટ કરાયા છે કે ન તો જૂના બંધ થયેલા રૂટો શરૂ કરાયા છે.
જેને લઇને આ નવા રૂટો શરૂ કરવા માટેની માગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. સંખેડા ભાગોળ વિસ્તારમાં પંચવટી બાગ આવેલ છે. આ બાગમાં દારૂની પોટલીઓ જોવા મળતી હોવાને કારણે જાણે પંચવટી બાગ મદિરાલય બન્યો હોય એ અંગેનો પ્રશ્ન પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.