લોકોને મુશ્કેલી:સંખેડા તાલુકામાં ડીઝલની રોજની ખપત સામે પૂરતો જથ્થો જ નથી

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં પેટ્રોલિયમ કંપની દ્વારા ડિઝલનો પૂરતો જથ્થો ન ફળવાતા વાહનચાલકો અને ખેડૂતોને પડતી મુશ્કેલી. - Divya Bhaskar
સંખેડા તાલુકામાં પેટ્રોલિયમ કંપની દ્વારા ડિઝલનો પૂરતો જથ્થો ન ફળવાતા વાહનચાલકો અને ખેડૂતોને પડતી મુશ્કેલી.
  • તાલુકામાં રોજના 25થી 30 હજાર લિટર ડીઝલની ખપત: અપૂરતા જથ્થાના કારણે લોકોને મુશ્કેલી

સંખેડા તાલુકામાં ડીઝલની રોજની ખપત સામે કંપની દ્વારા પૂરતો જથ્થો ન ફળવાતા અનેકને મુશ્કેલી વધી છે. ખાસ કરીને ખેડૂતોને હાલમાં ખેતીકામમાં ડીઝલની વધુ જરૂર પડી રહી છે. ટ્રાંસપોર્ટેશનમાં પણ ડીઝલની સૌથી વધુ જરુંર પડે છે. સંખેડા તાલુકાના ગોલાગામડીમાં 3, કાળીતલાવડી, સંખેડા, હાંડોદ અને ભાટપુરમાં એક-એક પેટ્રોલ પમ્પ આવેલા છે.

છેલ્લા ત્રણેક દિવસથી ડીઝલની જરૂરિયાત સામે કંપની દ્વારા એટલો ડિઝલનો જથ્થો ફળવાતો નથી. કાળી તલાવડીના અચ્યુતમ પેટ્રોલપંપ સંચાલક દેવાંગ તડવીએ જણાવ્યુ હતું કે, “કંપની 3 દિવસે એક વખત સપ્લાય આપે છે. રોજની જરૂરિયાત પ્રમાણે ડીઝલનો જથ્થો ફળવાતો નથી. અમારા જ પંપ ઉપર ડીઝલ 3 દિવસથી નથી.

ડીઝલના કારણે ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. અત્યારે ડીઝલની સૌથી વધુ જરૂર ખેતીકામમાં પડે છે. ખેડૂતોને ખેતરમાં પ્લાઉ મારવાનો હોય એ સિવાય પણ અનેક કામો કરવાના થાય છે. જેથી ડીઝલની ખપત વધારે રહે છે. આ સિવાય મધ્યપ્રદેશમાં ડીઝલના ભાવ વધારે હોવાથી અહીંયાથી પસાર થતા એમ.પી.પાસિંગના વાહનોવાળા ડીઝલની ટાંકી ફૂલ કરાવી જાય છે.

આ વિસ્તારમાંથી રોજની એક હજાર કરતા વધારે ટ્રકો પસાર થાય છે. એ સૌને પણ ડીઝલની ઇંધણ તરીકે જરૂર પડે છે.’ ગોલાગામડીના યોગીરાજ પેટ્રોલપંપ સંચાલક ભાવેશભાઈ પટેલના જણાવ્યામુજબ, ‘મહિનાના 12થી 13 ટેન્કર સામે હાલમાં 8થી 9 ટેન્કર આવે છે. રોજનું 4500થી 5000 લિટર ડીઝલનું વેચાણ થાય છે.

ઇમરજન્સી માટે નિયમ મુજબ રાખવું પડે એટલું ડીઝલ અત્યારે છે. ઇમરજન્સી વાહનો જેવાકે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર તેમજ સરકારી વાહન માટે જે જથ્થો જોઈએ તે છે.’ જ્યારે સંખેડા ખાતે આવેલા હિર પેટ્રોલપંપ ઉપર મંગળવારે બપોરે 1 વાગ્યે ડીઝલ પૂરું થઈ ગયું હતું. જોકે ગોલાગામડીના મેવાસ પેટ્રોલપંપ ઉપર બપોરે ડીઝલની ગાડી આવી હોવાનું અત્રેના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...