કાર્યવાહી:સંખેડામાં 24મીએ પંચાયત દ્વારા 75 દબાણો દૂર કરાશે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટિસને ઘોળીને પી ગયેલા દબાણકર્તાઓના દબાણો દૂર થશે

સંખેડા ગામમાં વાહન વ્યવહારને નડતરરૂપ હોય એવા 75 જેટલા દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ અપાઇ હતી. દબાણો દૂર ન થતાં 24 મેના રોજ સંખેડા ગ્રામ પંચાયત દ્વારા આવા દબાણોને દૂર કરવા ડ્રાઇવ યોજવામાં આવશે. સંખેડા ગ્રામ પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ સંખેડા ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપારીઓ ઉપયોગ ન કરે તે માટે તેમજ વાહન વ્યવહારને નડતરરૂપ હોય છે. એવા દબાણોને દૂર કરવા માટે સંખેડા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં જ વેપારીઓને સૂચના આપી હતી.​​​​​​​સંખેડા ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા આવા દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી.

પરંતુ આ નોટિસ ન ગણકારી, જાણે નોટિસને ઘોળીને પી ગયા હોય એમ દબાણકારો દ્વારા પોતાના દબાણો દૂર કરાયા નથી. જેથી સંખેડા ગ્રામ પંચાયત દ્વારા આવા દબાણકારોને તારીખ 23 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. 24 મેના રોજ સંખેડા ગ્રામ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આવા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંખેડા ભાગોળથી નવા ટાવર સુધીના વિસ્તારમાં વાહનચાલકોને દબાણને લીધે હાલાકી
સંખેડા ગામની ભાગોળેથી નવા ટાવર સુધીના વિસ્તારમાં કેટલાક દુકાનદારો પોતાની દુકાનના બદલે દુકાનની બહાર રસ્તા સુધી પોતાની દુકાનનો માલ સામાન ગોઠવી દે છે. જેને કારણે તે રસ્તે પસાર થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક તો ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ છે.

પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા નિકળીશું
75 દબાણકારોને નોટિસ આપી દબાણ દૂર કરવાની સૂચના આપી છે. છતા કેટલાયે પોતાના દબાણ દૂર કર્યા નથી. એટલે 24 મેના રોજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા નિકળીશું. > હરેશ આહીર, તલાટી, સંખેડા ગ્રા.પં.

અન્ય સમાચારો પણ છે...