સંખેડા ખાતે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે સંખેડા ગામની ભાગોળે તા.20 મે ના રોજ ત્રિકમના ટચકા જમીન ઉપર મારી વિવિધ 24 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે જગ્યાએ ત્રિકમના ટચકા માર્યા હતા એ બહાદરપુર-વાસણા રોડનું કામ હજી સુધી શરૂ થયું નથી.ડે.એન્જીનિયરે કહ્યું એ ખાતમુહૂર્ત નહીં પણ ભૂમિપૂજન હતું. વિધિ કરનારા બ્રાહ્મણે કહ્યું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત એક જ છે. મંત્રીએ કહ્યું હતું કે ખાતમુહૂર્ત કર્યું.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે આશરે 36 કરોડના ખર્ચે બનનારા 24 જેટલા પંચાયત અને સ્ટેટના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. સંખેડા ગામની ભાગોળે ચાર રસ્તા ઉપર મંડપ બાંધીને આ વિધિ કરાઈ હતી.જેમાં મંત્રી, ધારાસભ્ય, સાંસદ વિગેરેએ પૂજા વિધિ બાદ ત્રિકમના ટચકા જમીન ઉપર માર્યા હતા. જેથી સંખેડાના નગરજનો અને તાલુકાવાસીને આશા જાગી હતી કે હવે આ કામ શરૂ થશે. પણ આ વિધિને 12 દિવસ બાદ પણ કોઈ કામગીરી શરૂ ન થતાં લોકોમાં ચર્ચાનો વિષય ઉભો થયો હતો.
સ્ટેટ આર એન્ડ બી.ના ડેપ્યુટી એન્જીનીયર ગૌતમભાઈ રાણાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,‘ટેન્ડર મંજૂરીમાં જતું રહ્યું છે. તે મંજુર થાય એટલે વર્ક ઓર્ડર આપવાનો. 120 દિવસની ટેન્ડરની વેલિડિટી હોય છે. એ ભૂમિપૂજન હતું. વર્કઓર્ડર આપે પછી ખાતમુહૂર્ત થાય.’ ગત તા.20 મેના રોજ વિધિ કરાવનાર બ્રાહ્મણ ભરતભાઇને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે,‘ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન બંને એક જ કહેવાય.’
તા.20મી મે ના રોજ જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,‘સંખેડા મુકામે લગભગ 24 જેટલા પંચાયત અને સ્ટેટના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે લગભગ 36 કરોડના ખર્ચે થશે.આ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.