સંખેડા તાલુકાના છાપરીયા ગામે રહેતી પાર્વતીબેન ભઈલાલભાઈ તડવી નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને પોતાના ઘરનો કચરો કાઢી ઘરની બાજુમાં ઉકરડો આવેલો હતો. ત્યાં કચરો નાખવા ગઈ હતી. તે દરમિયાન તેમના ઘરની સામે રહેતો વિપુલભાઈ ઉર્ફે જીગો બચુભાઈ તડવી તેમના ઘરનાં ફળિયામાં આવેલો અને જણાવેલ કે અહીંથી આ ઉકરડો ઉઠાવી લેજો અને અહીં કચરો કેમ નાખો છો? તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પાર્વતીબેનના પતિ ભાઈલાલભાઈ ત્યાં આગળ આવેલા અને ગાળો બોલવાની ના પાડતાં એકદમ જીગાભાઈ ઉશ્કેરાઈ ગયા અને હાથમાંનો જુનો ત્રિકમનો દસ્તો ભઈલાલભાઈને માથાના પાછળના ભાગે મારી દીધો હતો.
જેથી તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને તે બેભાન થઈને જમીન પર પડી ગયા હતા. બૂમાબૂમ થતા ફળિયાના અન્ય માણસો આવી જતા ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને જીગાભાઈ જતો રહ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત ભાઈલાલભાઈને લઈને સંખેડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પાર્વતીબહેને તેમના પડોશી એવા વિપુલભાઈ ઉર્ફે જીગો બચુભાઈ તડવી વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.