રજૂઆત:છુછાપુરાથી તણખલાની રેલવે લાઇન બ્રોડગેજ કરી એકતાનગર સુધી લંબાવાય તો મધ્યપ્રદેશના અનેક પ્રવાસીઓને SOU સુધીની રેલ સુવિધા મળે

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના છુછાપુરાથી નસવાડી તાલુકાના તણખલા સુધી રેલવે લાઇન બ્રોડગેજ કરીને એકતાનગર સુધી લાઇન લંબાવવામાં આવે તો મધ્યપ્રદેશના અનેક પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રેલ સુવિધા મળી શકે તેમ છે.

વડોદરાના પ્રતાપનગરથી મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી ટ્રેન ટ્રેક છે. કોરોનાના કારણે આ લાઇન બંધ છે. અને આગળ પણ આ લાઈનનું કામ ચાલી રહ્યું છે. ઇન્દોર સુધી આ ટ્રેકની કનેક્ટિવિટી થવાની છે. જેની કામગીરી ચાલી રહી છે.

હાલમાં નર્મદા જિલ્લાના કેવડિયા પાસે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમ આવેલી છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ બની છે. દેશભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવી શકે એ માટે કેવડિયા રેલવે સ્ટેશન (એકતાનગર)ને રેલ કનેક્ટિવિટીથી દેશના મોટા શહેરો સાથે જોડવામાં આવ્યું છે. પણ મધ્યપ્રદેશના અનેક શહેરો સાથે કેવડીયાને જોડી શકાય એવી શક્યતા સંખેડા તાલુકાના છુછાપુરા રેલવે સ્ટેશન પાસેથી છે. છુછાપુરા રેલ્વે સ્ટેશન પાસે બે ટ્રેક છે. જેથી 2 ટ્રેનનું ક્રોસિંગ પણ થઈ શકે.

અગાઉ જ્યારે નેરોગેજ ટ્રેન ચાલતી હતી ત્યારે નસવાડી તાલુકાના તણખલા સુધી ટ્રેન વ્યવહાર હતો. તણખલાથી કેવડિયા નજીક છે. જેથી જુના છુછાપુરાથી તણખલા સુધી ટ્રેન ચાલતી હતી એ નેરોગેજના પાટાને બ્રોડગેજમાં કન્વર્ટ કરીને તણખલા સુધી અને ત્યાંથી નવીન કેવડિયા સુધી ટ્રેક બનાવવામાં આવે તો અલીરાજપુર તરફથી કેવડિયા જવા માંગતા અનેક મુસાફરોને લાભ થાય તેમ છે. તેમજ કેવડિયા આવતી અન્ય રાજ્યોની ટ્રેનને મધ્યપ્રદેશ સાથેની કનેક્ટિવિટી મળે તેમ છે.

સંખેડા તાલુકા પંચાયત પ્રમુખે ટિવટ કરી PMને રજૂઆત કરી
છુછાપુરા ખાતેથી તણખલા-એકતાનગર સુધી ટ્રેન શરૂ થાય તો મધ્યપ્રદેશના પણ અનેક લોકોને કેવડિયા સુધીની સસ્તા ભાડા સાથેની ટ્રેન સુવિધાનો લાભ મળી શકે. છુછાપુરાથી તણખલા સુધી બંધ નેરોગેજમાંથી બ્રોડગેજ કરવાની જરૂરિયાત છે. છુછાપુરાથી તણખલા અને એકતાનગર સુધી 35 K.M. અંતર થાય. - સંજયભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, સંખેડા

અન્ય સમાચારો પણ છે...