છેલ્લા દસ દિવસથી વટાવને લઈને ચાલતા આંદોલનમાં ખેડૂતોની સજ્જડ જીત થઈ હતી. ખેડૂતોએ રંગીન ફટાકડા ફોડી જીતને વધાવી હતી. સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં વટાવ પ્રથા સંપૂર્ણ બંધ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.
સંખેડા તાલુકાના હાંડોદ ખાતેના સબયાર્ડમાં કપાસની ખરીદીમાં ખેડૂતો પાસેથી રોકડા નાણાં લેતાં તો વેપારીઓ વટાવ કાપતા હતા. આ વટાવ દોઢ ટકો હતો. જેને કારણે ખેડૂત આલમમાં રોષ હતો. જોકે આ વટાવ પ્રથા સંપૂર્ણ ગેરકાયદેસર હોવા છતાં ચાલુ હતી.
જેને લઇ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બોરતલાવના જયેન્દ્રભાઈ બારીયા, ગુંડીચાના અતુલભાઈ પટેલ, કાળીતલ ાવડીના અનવરભાઈ મલેક તેમજ શૈલેષભાઈ બારીયા, રજની બારીયા, રંજનભાઈ સ્વામી તેમજ મેવાસ વિસ્તારના અનેક ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા. વટાવ પ્રથા બંધ કરવા માટે ખેડૂતો દ્વારા સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા.
જે બાદ શનિવારના રોજ સંખેડા મામલતદારને આશરે 700થી વધુ ખેડૂતોએ રેલી કાઢી વટાવ પ્રથા બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. સોમવારે આ ખેડૂતો ભેગા થઈ અને છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની ઓફિસમાં પણ આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે બાદ પણ નિવેડો આવ્યો ન હતો. આ બાબતે મંગળવારે વેપારીઓ દ્વારા વટાવ વિના જ હાંડોદ સબયાર્ડમાંથી કપાસની ખરીદી હરાજીથી કરાઇ હતી. જોકે આ મુદ્દે મડાગાંઠ યથાવત હતી.
બુધવારના રોજ સવારથી જ ખેડૂતો હાંડોદ સબયાર્ડમાં એકત્ર થયા હતા. બપોર સુધીની ઇન્તેઝારી બાદ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ અને અન્ય ડિરેક્ટર્સ અત્રે આવ્યા હતા અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરી હતી. જોકે છેલ્લા કેટલાય દિવસોથી ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા હતા બુધવારે આ મધ્યસ્થીનું સુખદ પરિણામ આવ્યું હતું. સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ પણ સતત ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન થાય એ માટે પ્રયત્નશીલ રહ્યા હતા. આખરે સમાધાન થયું હતું જેમાં ખેડૂતોની જીત થઈ હતી.
વટાવનું દૂષણ આજથી દૂર થયું
હાંડોદ સબયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જે અઠવાડિયા દસ દિવસથી જે લડત ચાલતી હતી.એનો આજે સુખદ અંત આવ્યો છે. કાલથી રાબેતા મુજબ હરાજી થવાની છે. જે પણ ખેડૂત મિત્રોએ હાંડોદ સબયાર્ડમાં કપાસ લઈને આવશે એમનો એક રૂપિયો પણ વટાવ કપાય નહીં અને રાબેતા મુજબની હરાજી ચાલુ રહેશે એમને ચેકથી પેમેન્ટ મળશે. > હેમરાજસિંહ મહારાઉલ, ચેરમેન, સંખેડા એપીએમસી
એપીએમસી એ ખાતરી આપી
દસ દિવસથી એપીએમસીની અને વેપારીઓની વિરુદ્ધમાં અમારી જે લડત ચાલી રહી હતી.એ લડતનો આજે સુખદ અંત આવ્યો છે. એપીએમસી અને વેપારીઓએ અમને ખાતરી આપી છે કે હવેથી વટાવ પ્રથા સદંતર નાબૂદ કરી દેવામાં આવી છે. ખેડૂત એપીએમસીમાં કપાસ વેચવા આવશે ત્યારે રોકડા જ દિવસના ચેકથી અથવા RTGSથી પેમેન્ટ અપાશે. > જયેન્દ્ર બારીયા, ખેડૂત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.