કપાસની વૃદ્ધિ અટકી:સંખેડામાં કપાસમાં ભેદી રોગ દેખાતાં ખેડૂતો ચિંતિત

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોગ બાબતે તપાસ માટે આણંદ કૃષિ યુનિ.ને પત્ર

સંખેડા તાલુકા સહિત આસપાસના કેટલાક તાલુકામાં કપાસમાં ભેદી રોગચાળો આવતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ રોગ શું છે.? તેની તપાસ થાય એ માટે આણંદ કૃષિ યુનિ.ને પત્ર લખ્યો છે. આ ભેદી રોગના કારણે કપાસની વૃધ્ધી અટકી જાય અને ઉતારો ઓછો આવે એવી સ્થિતિ હોઇ ખેડુતો પરેશાન બન્યા છે.

સંખેડા તાલુકાના કેટલાક ગામમાં કપાસના પાકમાં ભેદી રોગચાળો દેખાઇ રહ્યો છે. જેમાં કપાસના પાંદડાનો આકાર ભીંડા પાનના આકાર જેવો દેખાય છે. પાન બરછટ બની જાય છે. જેના કારણે કપાસની વૃધ્ધી અટકી જાય છે. આના કારણે કપાસના ઉતારા ઉપર પણ અસર થાય છે. સંખેડા તાલુકાની નજીક સરહદી અન્ય તાલુકાના ગામમાં પણ આ ભેદી રોગ કપાસમાં દેખાતા ખેડુતો પણ પરેશાન બની રહ્યા છે.

આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઇ ભગરીયાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે,”આના માટે આણંદ કૃષિ યુનિવર્સીટીમાં પત્ર લખીને અહિયા કપાસમાં આવેલી વિકૃતિ બાબતેની તપાસ કરવા માટે ટીમ મોકલવા જણાવ્યું છે. નસવાડીના ત્રણેક ગામોમાં અને સંખેડા બે એક જગ્યાએ જોવા મળ્યું છે.” ઉલ્લેખનિય છે કે સંખેડા તાલુકો કપાસ વાવેતરનું મોટુ સેંટર છે.

ચુસીયા પ્રકારના રોગના લક્ષણો
નવા પાંદડા આવે ચુસીયા પ્રકારનો રોગા આવતો હોય એવુ દેખાય છે. પાન ચોખ્ખુ હોય છે. પાંદડામાં રોગ દેખાય છે. મોટાભાગના ખેડુતોના ખેતરમાં આવો રોગ અત્યારે દેખાય છે. મહેનત કરવા છંતા નથી સુધરતું.” >શાંતીલાલ પટેલ,ખેડુત, ભાટપુર

ખેતીવાડી વિભાગમાં તપાસ માટે રજૂઆત
કપાસના રોગમાં ભેદી રોગ દેખાતા ખેડુતો ચિંતત બનેલા છે. જેથી આ રોગ વિશે સત્વરે તપાસ થાય એ જરુરી છે. આના માટે ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીઓને તપાસ કરવા માટેની રજુઆત કરી છે.” >હિતેશભાઇ દેસાઇ,ડિરેક્ટર, સંખેડા, એપીએમસી