રજુઆત:સંખેડાના હાંડોદ ગામે ખેતી માટેની વીજળી સવારે 5 વાગે મળતી હોવાથી ખેડૂતો પરેશાન

સંખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માગ ન સંતોષાય તો ખેડૂતોએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી

સંખેડા તાલુકાના હાંડોદ ગામના વિસ્તારમાં ખેતીની લાઇટ પુરતી ન મળવાના કારણે પરેશાન ખેડૂતોએ સંખેડા એમ.જી.વી.સી.એલ. ખાતે લેખિત રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા. હેલ્પરો ફોન ન ઉપાડતા હોવાની તેમજ લાઇટો સવારે પાંચ વાગ્યે મળતી હોવાથી મુશ્કેલી પડતી હોવાની રજુઆત કરી હતી.સંખેડા તાલુકાના હાંડોદ ગામના ભુપેન્દ્રભાઇ રોહીત, પ્રજ્ઞેશ પટેલ, આર.ડી.પટેલ, તુષાર પટેલ, અમિત પટેલ, કમલેશ પટેલ વિગેરે ખેડુતો સંખેડા એમ.જી.વી.સી.એલ. સબ ડીવીઝન ખાતે ડેપ્યુટી એન્જિનિયર કે.એફ. રાઠવાને આવેદનપત્ર આપીને લેખિત રજુઆત કરી હતી.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સંખેડા તાલુકાના હાંડોદ ખાતે પેટ્રોલ પંપ, ચાર કોટન જિનિંગ ફેકટરી તથા ખેતીવાડીના કુવાના કનેક્શન આવેલા છે. જેમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે. હેલ્પરોને ફોન કરવા પડે છે. હેલ્પર ફોનના જવાબ આપતા નથી તથા ટાઈમે પહોંચતા પણ નથી જેથી ડી.પી. ઉપર ખેડૂતોને જીવના જોખમે લંગરો ચડાવવા પડે છે. જેથી હાંડોદ ગામે હેડક્વાર્ટર ઉભુ કરી કાયમી ધોરણે સેવા મળે તેવી રજૂઆત કરાઇ હતી. ઉપરાંત દિવસની લાઈટના શિડ્યુલમાં નંદપુર અને ભાટપુર ફીડરમાં સવારે 5 વાગે લાઈટ આપવામાં આવે છે.

સવારે પાંચથી સાડા છ વાગ્યા સુધી અંધારું હોય છે. જેથી દિવસના સમયમાં સવારે લાઈટો બંધ રાખવાની ફરજ પડે છે. વહેલી સવારે શ્રમિકો મળતા નથી, શ્રમિકો આવતા પણ નથી.જેથી મુશ્કેલી પડે છે. જેથી નંદપુર તથા ભાટપુર ફીડરમાં દિવસના સમય લાઈટ આપવામાં આવે અને તે પણ પૂરા આઠ કલાક એવી માંગણી કરાઇ છે. જો માગણી નહીં સ્વીકારાય તો ખેડૂતો ભૂખ હડતાળ ઉપર ઉતરશે. એવી પણ ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...