તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બોડેલીના માંકણી ફીડરમાં ખેતીની લાઈટ 7 દિવસથી સમયસર ન મળતાં ખેડૂતો પરેશાન

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા એમજીવીસીએલ ખાતે ખેડૂતો રજૂઆત કરવા આવ્યા
  • કિસાન સૂર્યોદય યોજના અને સબ સ્ટેશન શરૂ કરવા માગ કરાઈ

બોડેલી તાલુકાના માંકણી પંથકના વીજ ફીડરમાંથી ખેતીની લાઈટ છેલ્લા એક અઠવાડિયાથી પૂરતી ન મળતા આ વિસ્તારના ખેડૂતો સંખેડા ખાતે એમ.જી.વી.સી.એલ. કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. રવિવારે સાંજે 100થી વધુ ખેડૂતો રજુઆત કરવા આવ્યા હતા. સોમવારે ડભોઈ અને સંખેડાના અધિકારીઓ સમક્ષ ખેડૂતોએ કિસાન સૂર્યોદય યોજના અને માંકણીમાં સબ સ્ટેશન શરૂ કરવા પણ રજૂઆત કરાઈ હતી. બોડેલી તાલુકાના માંકણી ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેતીની લાઈટ પૂરતી સમયસર ન મળવાને કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન બનેલા હતા. જેથી રવિવારે સાંજે આ વિસ્તારના ખેડૂતો સંખેડા એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. રાત્રે 10-30 સુધી ખેડૂતો બેસી રહ્યા હતા અને ટેલિફોનથી જ બધા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

ખેતીની લાઈટ ન મળતા ખેડૂતો ખૂબ જ પરેશાન બનેલા હતા. જેથી ખેડૂતોએ જો તંત્ર ખેતીની લાઈટ ના આપે તો ઘરની લાઈટ પણ નથી જોઈતી એવી વાત કરતાં અધિકારીઓ પણ દોડતા થયા હતા. સોમવારે ખેડૂતોને મળવા માટે ફરીથી બોલાવતા આ વિસ્તારના ખેડૂતો સંખેડા એમ.જી.વી.સી.એલ કચેરીમાં અધિકારીઓને મળવા પહોંચ્યા હતા.

માંકણીના માજી સરપંચ અને આગેવાન ખેડૂત હેમંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ડભોઇ અને સંખેડાના એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે તેમણે રજૂઆત કરી હતી અને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સંખેડા તાલુકાના વડેલી તેમજ માંકણી ફીડરમાં કિસાન સૂર્યોદય યોજનાનો સત્વરે અમલ કરવામાં આવે. રાત્રે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડે છે. ઉપરાંત માંકણી ખાતે નવીન સબ સ્ટેશન શરૂ કરવા માટેની પણ લેખિત રજુઆત કરી છે.

વેજલિયામાં પણ ઘરની લાઈટના ધાંધિયા
સંખેડા અને કોસિન્દ્રા સબ સ્ટેશનની હદ વચ્ચે વેજલિયા આવેલું છે. તાઉ તે વાવાઝોડાથી અહીંયા લાઈટોની સમસ્યા સર્જાવાની શરૂ થઈ છે. જરા સરખો પવન આવે કે વરસાદ પડે એટલે લાઈટો જતી રહે છે. સતત અને નિયમિત વીજ પૂરોવઠો મળે એ માટે અવાર-નવાર રજૂઆતો કરાઈ છે. પણ વીજ કંપનીના અધિકારીઓના પેટના પાણી પણ નથી હલતા.

​​​​​​​બહાદરપુર ગામે મકાનની લાઈટના મીટર નામફેરની અરજી 4 મહિનાથી કરાઈ પણ હજી નામ સુધર્યું નથી
બહાદરપુર ગામના પટેલ ચંદ્રકાંતભાઈએ તેમના પિતાના નામે ચાલતા વીજ મીટરનું નામ બદલવા માટે 4 મહિનાથી અરજી કરેલી છે. પણ સંખેડા એમજીવીસીએલ દ્વારા હજી સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...