કપાસમાં વેપારીઓ દ્વારા કાપવામાં આવતા વટાવના મુદ્દે સંખેડા તાલુકાના ખેડૂતો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કપાસમાં લેવાતો વટાવ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે બપોરે આવેદનપત્ર અપાયા બાદ મોડી સાંજે બહાદરપુર સબયાર્ડમાં એપીએમસીના બોર્ડ, વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વટાવની મડાગાંઠ ઉકેલવા માટે મીટિંગ યોજાઇ હતી. જોકે આ મીટિંગમાં કોઈ જ નિર્ણય થઈ શક્યો નહીં.
વેપારીઓ સાત દિવસ અને સાત ક્વિન્ટલથી ઓછા કપાસમાં વટાવ નહીં કાપે એવું જણાવ્યું હતું. પરંતુ ખેડૂતો એક પણ રૂપિયો વટાવ ન આપવા અડગ રહ્યા છે. સંખેડા તાલુકામાં વીતેલા સપ્તાહ દરમિયાન ખેડૂતો દ્વારા કપાસમાં હાડોદ સેન્ટરના વેપારીઓ દોઢ ટકો વટાવ કાપે છે. એ વટાવ પ્રથા બંધ કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ ખેડૂતો દ્વારા હાંડોદ સબયાર્ડમાં પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા દસ દિવસે પેમેન્ટ કરે તો તેમાં વટાવ નહીં કાપે એવી બાહેધરી આપી હતી.
જો કે આ સિવાય અત્રે એવી પણ ચર્ચા હતી કે સાત ક્વિન્ટલ કરતા ઓછો કપાસ હોય તો તેનો પણ વટાવ નહીં લેવાય. પરંતુ બીજા દિવસે માત્ર એક જ જીનમાં સાત ક્વિન્ટલ કરતાં ઓછો કપાસ હોય તો ત્યાં વટાવ કાપ્યા વિના ખેડૂતોને રોકડા નાણા અપાયા હતા. બાકીના વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી સાત ક્વિન્ટલ કરતા ઓછો કપાસ હોય તો પણ વટાવ લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ વટાવ સંપૂર્ણ નાબૂદ કરવા ઉપર ખેડૂતો અડગ બન્યા છે. કેટલાક ગામોમાં રાત્રિ દરમિયાન ખેડૂતોની સભા પણ યોજાઈ હતી. અને શનિવારે મામલતદારને વટાવ પ્રથા બંધ કરવા આવેદન અપાયું હતું. બાદ સોમવારે સંખેડા બોડેલીના ખેડૂતોએ છોટાઉદેપુર પણ જઇ કલેક્ટરને આવેદન આપ્યું હતું.
માગ ન સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરીશું
અગાઉ અમે સમાધાન કર્યું હતું. પરંતુ એ પ્રમાણે તેઓ રહ્યા હતા. એટલે અમારે ફરી આંદોલન કરવાની જરૂર પડી. આજે તેઓ અમારી કોઈ માંગ સાથે એગ્રી નથી. જેથી અમે અમારું આંદોલન ચાલુ રાખવાના છીએ. મંગળવારે શું થાય તે જોઈએ. બુધવારના દિવસથી અમે એપીએમસીમાં ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છીએ. હવે જે દિવસે કપાસ વેચવા જઈએ તો રોકડા પૈસા આપશે તો જ કપાસ આપીશું. કાલે અમારા સાધનો લઈને માર્કેટમાં જઈશું. જોઈએ છીએ હરાજી થાય છે કે નહીં. જો હરાજી નહીં થાય તો પરમ દિવસથી ઉપવાસ ઉપર ઉતરીશું. > જ્યેન્દ્ર બારીયા, ખેડૂત આગેવાન
વેપારીઓ સબયાર્ડમાં હરાજીમાં નહીં આવે તો જિલ્લા રજિસ્ટ્રારને અરજી લેખિતમાં આપીશું
ખેડૂતો અને વેપારીઓની મીટિંગ થઈ. મંગળવારે ખેડૂતોને હરાજીમાં સાધનો લઈને આવવા કહ્યું છે. અને વેપારીઓ ખરીદી કરવા નહીં આવે તો ટેલીફોનિક અને લેખિત પણ કહીશું કે કપાસ લેવા હરાજીમાં આવો. જો નહીં આવે તો અમારા નિયમ પ્રમાણે અમે ત્યાં જ સબયાર્ડમાં જ બેસીને વેપારીઓ વિરુદ્ધ લખીને જિલ્લા રજિસ્ટ્રારને આપીશું. > હેમરાજસિંહ મહારાઉલ, ચેરમેન, સંખેડા એપીએમસી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.