વિરોધ પ્રદર્શન:વડદલા(વા) ગામ બોડેલી તાલુકામાં પણ મત આપવા સંખેડા જવુ પડે છે

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 વર્ષથી તંત્ર પાસે વડદલા(વા) ગામનો પ્રશ્ન હલ કરવા માટે સમય નથી
  • પ્રશ્ન હલ ન થાય તો ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરશે

તંત્રની બેદરકારીનો ભોગ બન્યું છે વડદલા(વા) ગામ. વડદલા(વા) ગામ બોડેલી તાલુકાનું છે. પણ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંખેડા તાલુકાની વાસણા ગ્રામ પંચાયતમાં આ ગામનો સમાવેશ થયો છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચુંટણીમાં પણ બોડેલી તાલુકા પંચાયતની કોસીન્દ્રા બેઠક માટે મતદાન કર્યું હતું. જોકે છેલ્લા 5 વરસથી વડદલા(વા) ગામનો કોઇ સત્તાવાર સરપંચ કે ગ્રા.પં.નો સભ્ય પણ નહોતો. 2013માં થયેલા તાલુકા વિભાજન વખતની ભૂલ તંત્ર સુધારવાને બદલે પુનરાવર્તન કરી રહ્યું છે.

સંખેડા તાલુકાનું 2013મા વિભાજન થયા બાદ વાસણા ગ્રામ પંચાયતનું વડદલા(વા) ગામ બોડેલી તાલુકામાં સમાવાયું હતું. જોકે વડદલા(વા)ને ન તો કોઇ નજીકની ગ્રામ પંચાયતમાં સમાવાયું કે ન તો અલગ ગ્રામ પંચાયત બનાવાઇ અને એના કારણે 2016ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ગામનો કોઇ પણ પંચાયતમાં સમાવેશ ન થવાના કારણે મતદાન કરી શક્યા નહોતા. વિભાજને 8 વર્ષ થયા હોવા છતાં અધિકારીઓએ આ ગામ માટે કોઇ જ કાર્યવાહી કરી નહીં.

તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વડદલા(વા)ના ગ્રામજનોએ બોડેલી તાલુકા પંચાયતની કોસીન્દ્રા બેઠક માટે મતદાન કર્યું હતું. પણ હવે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે વડદલા(વા)નો સમાવેશ સંખેડા તાલુકાની વાસણા ગ્રામ પંચાયતમાં સમાવી દેવાયું અને અહિયાના ગામનો સમાવેશ પણ વોર્ડ રચનામાં કરી દેવાયો છે.

વડદલા(વા)માં વોર્ડ રચના થઈ છે
વડદલા(વા) ગામનો સમાવેશ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાસણા ગ્રામ પંચાયતમાં થયેલો છે. વડદલા(વા)માં વોર્ડ રચના થયેલી છે.- કે.એમ.પંડવાળા, મામલતદાર સંખેડા

​​​​​​​પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું
2016મા વાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડદલા ગામ બાકાત રહ્યું હતું. એ બાબતે ઘણી વખત રજૂઆત કરી હતી. અમારી જાણ બહાર જ વોર્ડની રચના કરી વાસણામાં સમાવી લેવાયા તેનો અમોને વિરોધ છે. અમારા પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરીશું. રેલી કાઢીશું, આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું. - રાઠવ સોમાભાઇ, માજી સરપંચ

અન્ય સમાચારો પણ છે...