વિરોધ:ગુંડેર નજીક ઉચ્છ નદી ઉપર છલિયું ન બનતાં ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર

સંખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુંડેર ગામના લોકો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી નદીમાં ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
ગુંડેર ગામના લોકો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી નદીમાં ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
  • માગ ન સંતોષાતાં ગ્રામજનોએ નદીમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો
  • 2020માં યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પણ ચૂંટણી બહિષ્કાર કરાયો હતો

‘કામ નહીં તો વોટ નહીં’ ના નારા સાથે ગુંડેર ગામના ગ્રામજનો દ્વારા અનોખી રીતે ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. ઉચ્છ નદી ઉપર છલિયું બનાવવાની વર્ષો જૂની માંગ ગુંડેરના ગ્રામજનોની ન સંતોષાતા ગ્રામજનો દ્વારા ઉચ્છ નદીમાં ઊભા રહીને હાથમાં બેનર પકડી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સંખેડા તાલુકાના ગુંડેર ગામથી સંખેડા તરફ આવવાના ટૂંકા રસ્તા ઉપર ઉચ્ચ નદી આવે છે. આ રસ્તે માંડ દોઢ કિલોમીટરમાં સંખેડા આવી શકાય છે. જ્યારે વાયા હાંડોદ થઈને આવે તો 9 કિલોમીટરનો ફેરો થાય એમ છે. જેથી ગુંડેરના ગ્રામજનો દ્વારા ઉચ્ચ નદી ઉપર છલિયું બનાવવા માટેની માંગ કરાઈ રહી છે.

પરંતુ તંત્ર દ્વારા આ માંગ ન સંતોષ હતા વર્ષ 2020માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. આગામી તા. 5 ડિસેમ્બરના રોજ સંખેડા વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીનો પણ ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુંડેર ગામમાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.

કામ નહીં તો વોટ નહીં અને ઉચ્છ નદી ઉપર છલીયાના અભાવે પડતી મુશ્કેલી હોઈ એ વાત તંત્ર સુધી વધુ એક વખત પહોંચાડવા માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો દ્વારા અનોખી રીતે ચૂંટણીનો બહિષ્કાર પણ કરાયો છે. ગુંડેરના ગ્રામજનો દ્વારા ઉચ્ચ નદીએ જઈ ઉચ્છ નદીના પાણીમાં ઊભા રહી અને ચૂંટણી બહિષ્કાર કરવાનું એલાન કરાયું છે. હાથમાં બેનર પકડીને સૂત્રોચાર કરીને ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી છલીયું ન બનવાને કારણે તેઓ પરેશાન હોય બહિષ્કાર કરવા અંગેના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા..

માંગ એ છે કે નદી ઉપર છલિયું બનાવો
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમેં સમગ્ર ગ્રામે બહિષ્કાર કર્યો હતો. એક પણ મત નાખ્યો ન હતો. અમારી માંગ એ છે કે નદી ઉપર છલીયું બનાવવાની અમારી મુખ્ય માંગ છે. એ મન સ્વીકારાય નથી એટલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એ ધ્યાને નહીં લેવાય તો ફરીથી આખું ગામ અમે બહિષ્કાર કરવાના છીએ. - સુરેશભાઈ તડવી, માજી સરપંચ, ગુંડેર

40થી 45 બાળકોને ફાયદો થાય
અમારા ગુંડેર ગામમાંથી આશરે 40થી 45 બાળકો સંખેડા ભણવા માટે જાય છે. કેટલાક ખાનગી વાહનોમાં છોકરાઓને સંખેડા મોકલે છે. નદી ઉપર છલીયું બની જાય તો ટૂંકા અંતરે સંખેડા પહોંચી શકાય. જેમનાથી ભાડા પહોંચી ન શકાય એવા લોકોને છલીયું બનવાથી ઘણો જ ફાયદો થાય. - રાજેશભાઇ તડવી, ગુંડેર

નદીમાં છલિયું બનાવી આપો
અમારી મુખ્ય એક જ માંગણી છે કે નદીમાં છલિયું બનાવી આપો. અમે અગાઉ ચૂંટણીમાં બહિષ્કાર કર્યો હતો.આ વખતે પણ કામ નથી થયું એટલે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ અમે ગુંડેરથી હાંડોદ થઈને જઈએ તો અમારે આઠથી નવ કિલોમીટરનો થાય અને નદીમાં થઈને જઈએ તો દોઢ કિલોમીટર પહોંચી જવાય છે.માટે અમારી માગણી છે કે છલીયું બનાવી આપે તો સારું. - આર.કે.બારીયા, ગુંડેર

અન્ય સમાચારો પણ છે...