સંખેડા સેવાસદનમાં ચૂંટણી બાદ પહેલી વખત જ તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. સંખેડા સેવા સદન ખાતે તાલુકા સંકલનની બેઠક ધારાસભ્ય અભેસિંહ તડવીની અધ્યક્ષતા હેઠળ યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, મામલતદાર વિજયભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેન રાઓલ, પીએસઆઇ એ.આર. ડામોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકાની સંકલન બેઠકમાં સંખેડા હાંડોદ રોડ ઉપર પેટ્રોલ પંપની સામે આવેલી કાંસની સફાઈ કરવા માટે સ્ટેટ આરએનબીને સુચના આપવામાં આવી હતી. આ પ્રશ્ન છેલ્લાં ઘણા સમયથી ટલ્લે ચડેલો છે. તેનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે ભલામણ કરાઈ હતી. સૌથી વધુ પ્રશ્નો એમજીવીસીએલને લગતા હતા. MGVCLના તાબામાં આવતા રાજનગર અને માછીપુરા ગામે થાંભલા ઉભા કરવામાં આવ્યા નથી. થાંભલા ઉભા ન કરાયા હોવા બાબતે રજૂઆત કરાઈ હતી. સંખેડા તાલુકાના સુંદરપુરા અને ઝરવણ આ બંને ગામો કોસીન્દ્રા સબ ડિવિઝનમાં આવે છે. જેને કારણે આ ગામોના લોકોને જીઇબીના કામ અર્થે ઠેઠ કોસીન્દ્રા સુધી લાંબુ થવું પડે છે.
આ બંને ગામો સંખેડાથી નજીક હોઇ તેમને સંખેડા સબ ડિવિઝનમાં સમાવવા ભલામણ કરાઈ હતી. ચોમાસાના એક માસ પહેલા ફોરેસ્ટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તા પરના ઝાડીઝાંખરા ડાળીઓ કાપવા જેથી લાઈટો જવાના પ્રશ્નો ઓછા થાય. નર્મદા કેનાલના અધિકારીઓને સંખેડા તાલુકાની જૂની અને જર્જરિત કેનાલોના નવેસરથી બનાવવા માટે જરૂરી સર્વે કરવો, જેથી સરકારના બજેટમાં લેવાઈ શકે. ત્યાર બાદ સંખેડા તાલુકામાં વિવિધ વસાહતો પણ છે. નર્મદાની વસાહતાના લોકોની વિવિધ સમસ્યાઓ છે. પણ આ વિભાગના કર્મચારીઓ સંકલનમાં હાજર ન હોઈ આગામી સંકલનમાં હાજર રહે એ માટે જરૂરી સૂચના અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.